પાકિસ્તાન : બલુચિસ્તાનના કવેટા રેલવે સ્ટેશન પર ભયંકર ધડાકો થતા 21ના મોત, અનેક ઘાયલ
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં 21 લોકોના મોતના સમાચાર છે. વિસ્ફોટમાં 30 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે સમયે ધમકી આપવામાં આવી તે સમયે સ્ટેશન પર ભારે ભીડ હતી. એક ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી. આ સિવાય મોટી સંખ્યામાં મુસાફરો બીજી પેસેન્જર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. બ્લાસ્ટ બાદ ક્વેટા રેલવે સ્ટેશન પર સનસનાટી મચી ગઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. સ્ટેશન પર અંધાધૂંધી હતી.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી. સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે.
બલૂચ આર્મીએ જવાબદારી લીધી
બલૂચ લિબરેશન આર્મીએ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)ના પ્રવક્તાએ કહ્યું, “અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ. આજે સવારે, ક્વેટા રેલ્વે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ ઇન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કરીને જાફર એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે.”
અગાઉ, એસએસપી મોહમ્મદ બલોચે કહ્યું હતું કે આ ઘટના “આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે.” વિસ્ફોટનું સ્વરૂપ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી રેસ્ક્યુ સર્વિસના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ “રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો.”
ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રિંદે કહ્યું કે વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
સરકારી અધિકારીએ કહ્યું કે ત્યાંની હોસ્પિટલોમાં ‘ઇમરજન્સી’ લાદવામાં આવી છે. તેમણે કહ્યું કે “ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” ઘટનાના ફૂટેજમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.