ઇયર બર્ડ્સનો વધુ પડતો ઉપયોગ કરનારા ચેતજો !! કાનમાં ઇયર બર્ડ્સ બ્લાસ્ટ થતાં મહિલાએ સાંભળવાની ક્ષમતા ગુમાવી
ઇયર બર્ડ્સનો ઉપયોગ લોકો વધુ કરવા લાગ્યા છે. ટેકનોલોજીના યુગમાં સરળતાથી યુઝ કરી શકાય તેવા ઉપકરણમાં ઇયર બર્ડ્સ ટોપ પર આવે છે. પરંતુ કોઈ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ આખો દિવસ ઈયરબડનો ઉપયોગ કરો છો અને તેને કાનમાં લઈને ફરતા રહો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક મહિલાના કાનમાં ઈયરબડ બ્લાસ્ટ થયા બાદ તેની સાંભળવાની ક્ષમતા હંમેશા માટે ખોવાઈ ગઈ હતી.
સેમસંગના ટર્કિશ ફોરમ પર આ ઘટનાની જાણ કરવામાં આવી છે, જેણે કંપનીના નવા ઇયરબડ્સની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટનાની સરખામણી સેમસંગની અગાઉની ગેલેક્સી નોટ 7 બેટરી કટોકટી સાથે કરવામાં આવી રહી છે. ફોરમ પર એક યુઝરે દાવો કર્યો હતો કે ઈયરબડનો ઉપયોગ કરતી વખતે તેની ગર્લફ્રેન્ડની ઈયરબડ તેના કાનમાં બ્લાસ્ટ ગયા, જેના કારણે તેણીએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી.
ફરિયાદ બાદ સેમસંગે નવા ઈયરબડ આપવાની ઓફર કરી છે પરંતુ સુરક્ષાને લઈને કંઈ કહ્યું નથી. સેમસંગે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ ઘટના બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું અન્ય યુઝર્સ પણ આવી ઘટનાનો શિકાર બની શકે છે. સેમસંગે હજુ એ જણાવ્યું નથી કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, પીડિત યુઝર સેમસંગ દ્વારા જવાબદારી ન લેવાથી નિરાશ છે. આ ઘટના સેમસંગની ગેલેક્સી નોટ 7 સંકટને યાદ અપાવે છે, જ્યારે બેટરીમાં સતત આગ લાગવાને કારણે સેમસંગે તેના સ્માર્ટફોનને વૈશ્વિક સ્તરે રિકોલ કરવો પડ્યો હતો.