દેશભરના પેટ્રોલ પંપ પર મોદીની ગેરંટીના હોર્ડિંગ્સ લગાવવા આદેશ
ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમને કરોડનો ખર્ચ થશે
દેશનાં મોટાભાગના પેટ્રોલપંપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા હોર્ડિંગ્સ લાગવામાં આવશે. જેમાં તેઓ ઉજ્જવલા કાર્યક્રમ હેઠળ લાભાર્થીને LPG ગેસ સિલિન્ડર આપી રહ્યા હોય તેવો ફોટો છે. આમાં એક કેપ્શન લાઈન પણ લખવામાં આવી છે કે મોદી સરકારની ગેરંટી એટલે સરળ જીવનની ગેરંટી. 10 કરોડો રસોડાઓને ધુમાડાથી મુક્ત અને ઉજ્જવળ કરી દેવામાં આવ્યા છે.
સ્ટેટ-રન ફ્યુઅલ રિટેલર્સ અત્યારે જે હોર્ડિંગ્સ લાગ્યા છે તેને ચેન્જ કરી રહ્યા છે. અત્યારે હોર્ડિંગ્સ પર સેન્ટ્રલ વેલફેર સ્કિમના ઘણા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જેને બદલીને નવા હોર્ડિંગ્સમાં મોદીની ગેરંટી એટલે સરળ જીવનની ગેરંટી એવા સંદેશ સાથે નવું પોસ્ટર લગાવાઈ રહ્યું છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી LPG સિલિન્ડર જનતાને આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ ઉજ્જવલા યોજનાનો ભાગ છે.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપના સંચાલકોને નવા ફ્લેક્સ હોર્ડિંગ્સ મૂકવામાં આવે તેની ખાતરી કરવા માટે “સહકાર” કરવાનું કહેવામાં આવ્યું છે. આ મેસેજમાં ઓઈલ કંપનીઓ દ્વારા રોકાયેલા હોર્ડિંગ વિક્રેતાઓ તેમના રિટેલ આઉટલેટ્સ પર રિપોર્ટ ન કરે તો સંબંધિત ક્ષેત્રના અધિકારીઓને જાણ કરવા માટે પણ મેનેજરોને જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણ મુખ્ય જાહેર ક્ષેત્રના ફ્યુલ રિટેલર્સ – ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમને કેટલાક સેંકડો કરોડનો ખર્ચ પણ થશે. આ કંપનીઓ દેશના લગભગ 88,000 પેટ્રોલ પંપમાંથી 90%ની માલિકી ધરાવે છે અથવા તેનું સંચાલન કરે છે.