ઓનલાઈન ગેમિંગ બિલને રાજ્યસભામાં પણ લીલીઝંડી : દર વર્ષે 45 કરોડ લોકોને રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 રજૂ કર્યું હતું. રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે આ બિલ પસાર થયું હતું. આ દરમિયાન ગૃહમાં સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા, જેના કારણે બિલ ચર્ચા વિના પાસ થયું હતું. આમ સંસદના બંને ગૃહોમાં આ બિલ પાસ થઈ ગયું છે.
રાજ્યસભામાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ઓનલાઈન મની ગેમિંગને કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. આજે ઓનલાઈન ગેમિંગની સમસ્યા ડ્રગ્સની સમસ્યા જેવી બની ગઈ છે. તેમણે કહ્યું કે જ્યારે આપણા મધ્યમ વર્ગના પરિવારોને બચાવવાની વાત આવે છે ત્યારે આપણા મધ્યમ વર્ગના પરિવારો અને યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાથમિકતામાં પ્રથમ આવે છે. ગુરુવારે રાજ્યસભાના સુધારેલા કાર્યસૂચિમાં આ બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે? સરકારે પાકિસ્તાન સામે મેચ રમવા પર આપ્યું મોટું નિવેદન
45 કરોડ લોકોને દર વર્ષે રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન
કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગને નિયંત્રિત કરતું મહત્ત્વનું બિલ સંસદમાં પસાર કરી દીધું છે. તેનો હેતુ ઓનલાઇન મની ગેમ્સ અને સટ્ટાખોરીને સંપૂર્ણપણે રોકવાનો અને ઇ-સ્પોર્ટ્સ તેમજ સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે. એક અંદાજ મુજબ દર વર્ષે 45 કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને 20 હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે ઓનલાઇન ગેમ્સથી લોકોને થઈ રહેલા નાણાકીય અને સામાજિક નુકસાનને રોકવા માટે તે આ બિલ લાવી છે. આ બિલનું નામ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ 2025 છે. આ ગેમ્સની લત ફક્ત નાણાકીય નુકસાન જ નહીં પણ એક સામાજિક સંકટ બની ચૂકી છે. કેટલાય લોકોએ આ ગેમ્સના ચક્કરમાં આવીને આત્મહત્યા કરી છે.
ઓનલાઇન ગેમિંગ બિલના ત્રણ મુખ્ય હિસ્સા છે. તેમા આ બિલ દ્વારા પહેલી વખત ઇ-સ્પોર્ટ્સને માન્યતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી દેશમાં સ્પોર્ટ્સ ગેમ્સ માટે કોઈ કાયદાકીય આધાર ન હતો. તેની આગામી માર્ગદર્શિકાઓ રમતગમત મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે.
આ ઉપરાંત સરકારે ઓનલાઇન સોશ્યલ ગેમ્સને કાયદાકીય માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગેમ્સ સામાન્ય લોકોના એજ્યુકેશન માટે કામ આવે છે.તેની માર્ગદર્શિકાઓ આગામી સમયમાં માહિતી અને ઇલેકટ્રોનિક મંત્રાલય નક્કી કરશે.
આ બંને ગેમથી વિપરીત ઓનલાઇન મની ગેમ્સ પર સરકારે પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગેમ્સમાં નાણાકીય લેવડદેવડ થાય છે. આ ગેમ્સને પ્રમોટ કરનારા અને આવી ગેમિંગ સર્વિસ આપતી કંપનીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ છે.
