ભારતમાં લઘુમતીઓની હાલત અંગે અમેરિકાની વધુ એક વખત કાગારોળ
વાર્ષિક રિલિજિયસ ફ્રિડમ રિપોર્ટમાં ભારતની આકરી ટીકા
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લીનકેને બુધવારે જાહેર કરેલા વર્ષ 2023 ના વાર્ષિક યુએસ રિલિજીયસ ફ્રીડમ રિપોર્ટમાં ભારતમાં લઘુમતી સમુદાયની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી આકરી ટીકા કરવામાં આવી હતી.
એ રિપોર્ટમાં ધર્માંતરણ વિરોધી કાયદો, હેટ સ્પીચ, લઘુમતી સમુદાયના ધર્મસ્થાનોનું ડિમોલિશન વગેરે જેવા મુદ્દાઓ વણી લેવામાં આવ્યા હતા. ગેરકાયદે બાંધકામના નામે મુસ્લિમોની સંપત્તિઓ તોડી પાડવામાં આવતી હોવાનો તેમાં આક્ષેપ કરાયો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ લગાવવામાં આવી રહી છે. લઘુમતી સમુદાય,ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું દમન થતું હોવાની પણ તેમાં ટીકા કરવામાં આવી છે. આ અહેવાલમાં કેટલાક દ્રષ્ટાંતો પણ આપવામાં આવ્યા છે. મુંબઈ નજીક ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના કહેવાતા સભ્ય દ્વારા ત્રણ મુસ્લિમોની હત્યાની ઘટનાનો આ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગૌરક્ષાના નામે મુસ્લિમો ઉપર હુમલા થતા હોવાની ચિંતા દર્શાવવામાં આવી છે. સિએએ ની જોગવાઈઓને ભેદભાવ પૂર્ણ ગણાવવા સાથે જ કાશ્મીર માંથી 370 મી કલમ રદ કરી દેવાના નિર્ણય અંગે પણ રિપોર્ટમાં ટીકાત્મક ઉલ્લેખ છે.
મણીપુરમાં લઘુમતી ખ્રિસ્તી કુકી સમુદાય ઉપરના અત્યાચારો ની પણ ટીકા કરવામાં આવી છે. આ રમખાણોમાં 250 ચર્ચ સળગાવી દેવાયા હોવાનું, 200 કરતાં વધારે લોકો માર્યા ગયા હોવાનું અને 60000 લોકો વિસ્થાપિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.આ અહેવાલ રજૂ કર્યા બાદ વિદેશ મંત્રી એન્ટોની બ્લિનકેને જણાવ્યું હતું કે આ બધા મુદ્દે અમેરિકા દ્વારા નિયમિતરીતે ભારત સાથે ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલતી રહે છે.નોંધનીય છે કે અમેરિકા દ્વારા દર વર્ષે વિશ્વના તમામ દેશોમાં લઘુમતીઓની હાલત, માનવ અધિકાર અને ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ અંગે રિપોર્ટ જારી કરવામાં આવે છે.ભારત વિષે આ જ હેતુનો અહેવાલ અમેરિકા છેલ્લા પાંચ વર્ષથી પ્રસિદ્ધ કરતું રહ્યું છે અને ભારત આ બધા અહેવાલોને નકારતું રહ્યું છે.