સિવિલ હોસ્પિટલને ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં રસ જ નથી
ફાયર સેફટીની માત્ર મિટિંગો કરી પરંતુ કોઈ કાર્યવાહી ન કરી : જો હોસ્પિટલમાં આગ લાગે તો બુઝાવવા માટે માત્ર 8નો સ્ટાફ
અખબારોમાં જાહેરાત આપી ઇન્ટરવ્યુ કરવાની હજુ સુધી પ્રોસેસ પણ શરૂ કરી નથી
રાજકોટમાં ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડની ઘટના બનતા તંત્ર સફાળું જાગ્યું હતું. અને ફાયર સેફટી મુદે બિલ્ડિંગો,સિનેમાઘર,હોસ્પિટલ અને શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને જેની પાસે ફાયર એનઓસી ન હોય તે સ્થળેને સીલ પણ મારી દેવામાં આવ્યું હતું.જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ ફાયર ઓફિસર ન હોવાથી આરોગ્ય વિભાગની મળેલી બેઠક બાદ ફાયર ઓફિસરની તાત્કાલિક નિમણૂક કરવાની સૂચના હોસ્પિટલને આપી હતી. પરંતુ એક માસ બાદ પણ તબીબી અધિક્ષકે કોઈ કાર્યવાહી કરી ન હતી. અને જેમનું તેમ ચાલવા દીધું છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 1500થી વધુની ઓપીડી કરવામાં આવે છે. અને તેમની સાથે આવતા તેમના સ્વજનો અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો સહિતનો હાજરો લોકોની દિવસમાં અવરજવર રહે છે.તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી. અને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓથી કામ ચલાવવામાં આવે છે. જ્યારે અમદાવાદ અને જામનગરમાં ફાયર ઓફિસરની ઘણા વર્ષોથી નિમણૂક કરી દેવામાં આવી છે.રાજકોટમાં ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડની ઘટના બનતા તંત્રની ઊંઘ ઊડી હતી. અને રાજ્યભરમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી વગર ચાલતા બાંધકામ અને બિલ્ડિંગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને એનઓસી વગરની બિલ્ડિંગને ધડાધડ સીલ મારી દેવાની કામગીરી શરૂ કરી હતી.
તો બીજી બાજુ રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફાયર ઓફીસરની નિમણૂક કરવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરની ફાયર સેફટીની સમીક્ષા અંગેની બેઠક મળી હતી. અને નિર્ણય બાદ આ જગ્યા ભરવા માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને જાણ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં ફાયર ઓફિસર રાખવામાં સુપ્રિટેન્ડેન્ટને રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આરોગ્ય વિભાગે સૂચના આપ્યા બાદ પણ ઓફિસરની ભરતી કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ સુધી અખબારોમાં જાહેરાત આપી ઇન્ટરવ્યુ કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી નથી.જેથી ન કરે નારાયણ કાલ સવારે કોઈ આગની ઘટના બની તો જોવા જેવી થવાની છે.