હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
ડાયનાસોર શબ્દ સાંભળતા જ આપણે તેના વિશે વિચારવા લાગીએ છીએ. લગભગ 160 કરોડ વર્ષો સુધી પૃથ્વી પર તેમનુ રાજ હતું. ઓગણીસમી સદીમાં પ્રથમ ડાયનાસોર અવશેષો મળી આવ્યા હોવાથી, ડાયનાસોરના હાડપિંજર વિશ્વના સંગ્રહાલયોમાં એક મુખ્ય આકર્ષણ બની ગયા છે. જુરાસિક પાર્ક ફિલ્મ તમે જોઈ જ હશે જે આપણને અલગ જ દુનિયામાં લઈ જાય છે ત્યારે હવે એવી દુનિયામાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાઓ જ્યાં ડાયનાસોર ફરી એકવાર જોવા મળશે.

જો તમે સિંગાપોર ફરવા જવાના છો તો આ જગ્યાને તમારી વિશ લિસ્ટમાં શામેલ કરી લેજો. સિંગાપોરમાં એશિયાનો પહેલો જૂરાસિક પાર્ક શરૂ થયો છે. 29 મે 2025ના રોજ તેની શરૂઆત કરવામાં આવી છે. ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’ આ પાર્કનું નામ છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે . આ પાર્ક ‘ગાર્ડન્સ બાય ધ બે’ ખાતે આવેલા ક્લાઉડ ફોરેસ્ટમાં બનાવાયું છે. પાર્ક ખૂલતાંની સાથે લોકો અહી મુલાકાત લેવા તલપાપડ થઈ રહ્યા છે.

થીમપાર્કમાં શું છે જોવાલાયક?
‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ પાર્કમાં તમે જશો તો એવું જ લાગશે કે ડાયનાસોરની દુનિયામાં પ્રવેશ કરી લીધો છે. કુદરતની વચ્ચે બનાવેલા આ પાર્કમાં 10 અલગ-અલગ ઝોન બનાવવામાં આવ્યા છે જે તમને અલગ-અલગ અનુભવ પ્રદાન કરશે. અહીનું મુખ્ય આકર્ષણ છે લાઇટિંગ. અહીં પહાડો, ધોધ, જંગલ બનાવીને કુદરતી લાગે એવા દૃશ્યો જોવા મળશે. અહી તમે પ્રકૃતિનો પણ આનંદ લઈ શકશો. કદાચ તમે પહેલાના સમયમાં ડાયનાસોરને સ્પર્શ કરી શકતા ન હતા પણ અહી આવીને તમે તેના સાથે રમી પણ શકો છો. લાંબી ગરદન ધરાવતા શાકાહારી ડાયનોસોરથી લઈને ખૂંખાર ટી-રેક્સ, ભયાનક વેલોસિરાપ્ટર અને ઉડતા પેટેરાનોડોન જેવા વિવિધ પ્રજાતિના ડાયનોસોર અહીં જોવા મળે છે. તમામ ડાયનોસોર સાચે જ તમારી સામે પ્રગટ થયા છે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

તમે ડાયનોસોર સાથે ફોટા પણ પડાવી શકો છો
આ ડાયનોસોર પાર્ક કોસ્ટારિકાના કાલ્પનિક ટાપુ ઇસ્લા નુબ્લરથી પ્રેરિત છે જે ફક્ત જોવા માટે કે આનંદ ફક્ત માણવા માટે નથી અહી તમે ડાયનોસોર સાથે ફોટા પણ પડાવી શકો છો અને એક્ટિવિટી પણ કરી શકો છો. આ તમામ કામગીરી એના સ્ટાફની દેખરેખ હેઠળ થાય છે. વર્ષો પહેલા જેની જાતિ વિલુપ્ત થઈ ગઈ છે એ ડાયનોસોર ફરી હલનચલન કરતાં ચિચિયારી પાડતા જોવા મળે એ અનુભવ જીવનભર યાદ રહી જાય છે. ગુસ્સે ભરાયેલા ડિલોફોસોરસ તો પ્રેક્ષકો પર ‘ઝેરીલી લાળ’ પણ થૂંકે છે. અલબત્ત, એ ફક્ત રંગીન પાણી હોય છે, પરંતુ એ અનુભવથી પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

થીમપાર્કની ટિકિટની કિંમત
- થીમપાર્ક દરરોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
- પુખ્ત વયના વિદેશીઓએ ટિકિટના 46 SGD (સિંગાપોર ડોલર) એટલે કે લગભગ 3046 રૂપિયા ખર્ચવા પડશે.
- 3 થી 12 વર્ષના બાળકો માટેની ટિકિટ 32 ડોલર (2,119 રૂપિયા)
- 3 વર્ષથી ઓછી વયના બાળકો માટે એન્ટ્રી ફ્રી
- સિંગાપોરના રહેવાસીઓ માટે દર ઓછા
- પુખ્ત વયના સિંગાપોરના નાગરિક માટે 26 ડોલર (1,721 રૂપિયા)
- 3 થી 12 વર્ષના બાળકો અને 60 થી વધુ વયના નાગરિકો માટે 22 ડોલર (1,456 રૂપિયા)