હવે ઘરબેઠા સિટી બસની ટિકિટ બુક કરી શકાશે : રાજકોટ મહાપાલિકાએ ‘RRL સારથી’ એપ્લીકેશન કરી લોન્ચ
મહાપાલિકાએ `આરઆરએલ સારથી’ એપ્લીકેશન કરી લોન્ચ: બસનું લાઈવ લોકેશન, જ્યાં ઉભા હોય ત્યાંથી અપ-ડાઉન થતી બસની વિગત પણ જાણી શકાશે
દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી હોય લોકો હવે સિટી બસ તરફ વળ્યા છે. જો કે આ બસ માટે ટિકિટ બુકિંગ કરવા સહિતની મુશ્કેલી નડતી હોય હેરાનગતિનો સામનો પણ કરવો પડી રહ્યો હતો જેનો હવે અંત આવ્યો છે. હવેથી લોકો ઘરબેઠા જ સિટી બસ માટેની ટિકિટ બુક કરી શકે તે માટે મહાપાલિકા દ્વારા આરઆરએલ સારથી નામની એપ્લીકેશન લોન્ચ કરી છે જેમાં ટિકિટ બુક કરવા સહિત અનેક સુવિધા મળશે.
અત્યારે ૭૨ રૂટ ઉપર ૧૦૦ સીએનજી તેમજ ૯૯ ઈલેક્ટ્રિક મળી કુલ ૧૯૯ બસ દોડી રહી છે. આ એપ્લીકેશનમાં લોકો બસનો રૂટ તેમજ સમયપત્રક, જે લોકેશન પર ઉભા હોય ત્યાંથી અપ-ડાઉન થતી બસની વિગત, બસનું લાઈવ લોકેશન, પીરિયોડીક પાસનું વેલિડેશન તેમજ ટિકિટ બુકિંગ સહિતની સુવિધા મેળવી શકશે. આ ઉપરાંત રાજકોટથી દરરોજ અંદાજે ૨૫,૦૦૦થી વધુ મધ્યમ-કામદાર વર્ગના લોકો રાજકોટથી શાપર વેરાવળ બાજુ અપડાઉન કરતા હોય તેમને ધ્યાનમાં રાખી દર ૧૫ મિનિટના અંતરે સિટી બસ સેવામાં ગોંડલ રોડ ચોકથી શાપર વેરાવળ શટલ રૂટ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં સવારે ૬:૩૦થી રાત્રે ૮:૩૦ સુધી બસ મળી શકશે.
દર રવિવારે સવારે ૧૧થી રાત્રે ૧૧ સુધી અટલ સરોવર માટે બસ મળશે
હવેથી અટલ સરોવર માટે પણ દર રવિવારે સ્પેશ્યલ બસ ચાલશે જેનો સમય સવારે ૧૧થી રાત્રે ૧૧ સુધીનો રહેશે. આ બસ ત્રિકોણબાગ, ગોંડલ ચોક, આજી ડેમ, ગ્રીનલેન્ડ ચોકડી અને કોઠારિયા ગામથી મળશે.