હવે આરપારની ટ્રેડ વોર : ભારત પર 50 ટકા ટેરિફનો અમલ શરૂ, ટેકસ્ટાઈલ અને જ્વેલરી જેવા ઉદ્યોગોને ફટકો
અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરતી નોટિસ જારી કરી છે, જેના કારણે ભારતીય નિકાસ પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થશે. આ નવા ટેરિફના અમલ ભારતીય સમય મુજબ 27 ઓગસ્ટ, 2025ના રોજ મંગળવારે સવારે 9:31 વાગ્યે શરૂ થઈ ગયો છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા જાહેર થયેલા આ નોટિસ અનુસાર, આ ટેરિફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકઝિક્યુટિવ ઓર્ડર 14329 પર આધારિત છે, જે 6 ઓગસ્ટે સહી કરાયો હતો. આ આદેશ મુજબ, રશિયા સાથે વેપાર કરતા દેશો સામે અમેરિકાએ દબાણકારી નીતિઓ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારત ખાસ નિશાન પર આવ્યું છે.
આ આદેશ રશિયા સાથે વેપાર કરતા દેશો પર આર્થિક દબાણ લાવવાનો હેતુ ધરાવે છે. ભારત પર આ ટેરિફ રશિયન તેલની સતત ખરીદીને કારણે લાદવામાં આવ્યો છે જેને અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધને ટેકો આપતી ગતિવિધિ તરીકે મૂલવે છે.
આ નોટિસ મુજબ, આ ટેરિફ ભારતથી આયાત થતી વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આમાં ટેક્સટાઇલ, દાગીના, ચામડાની વસ્તુઓ, દરિયાઈ ઉત્પાદનો, રસાયણો અને ઓટોમોબાઇલ ભાગોનો સમાવેશ થાય છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ઊર્જા ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી છે કે જો રશિયા સાથેના મુદ્દે કોઈ સમાધાન નહિ આવે તો આવનારા અઠવાડિયામાં બીજા દેશો ઉપર પણ “મોટા પરિણામો” લાદી શકાય છે. જોકે, અત્યાર સુધી ચીન જેવા રશિયન તેલના મોટા ખરીદદારો ઉપર અમેરિકા દ્વારા આવો કોઈ દંડ લાગુ કરાયો નથી.નવા અમેરિકન ટેરિફ જાહેરાતથી ભારતીય નિકાસકારો માટે ચિંતાનો માહોલ ઊભો થયો છે.
ભારતના અર્થતંત્ર પર ગંભીર અસરનો ખતરો
આ ટેરિફની અસર ભારતના નિકાસ ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો પર ગંભીર રહેશે. 2024માં ભારતે અમેરિકામાં 87.3 અબજ ડોલરની નિકાસ કરી હતી, જેમાંથી 55 ટકા નિકાસ આ ટેરિફથી પ્રભાવિત થશે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટેરિફના કારણે ભારતની નિકાસમાં 40-50 ટકાનો ઘટાડો થઈ શકે છે, જેના પરિણામે ટેક્સટાઇલ, દાગીના અને દરિયાઈ ઉત્પાદનો જેવા શ્રમ-સઘન ઉદ્યોગોમાં નોકરીઓનું નુકસાન થઈ શકે છે. નોમુરા અને એલારા સિક્યોરિટીઝ જેવા વિશ્લેષકોના મતે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર માટે “વેપાર પ્રતિબંધ” જેવું છે, જે નાના ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચાડશે. ભારતના જીડીપી વૃદ્ધિદરમાં 70-100 બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે, જેનાથી આર્થિક વૃદ્ધિ ઘટીને 6 ટકાથી નીચે જઈ શકે છે. ટેક્સટાઇલ, દરિયાઈ ઉત્પાદનો અને દાગીના જેવા ક્ષેત્રોમાં નિકાસ ઓર્ડર રદ થઈ રહ્યા છે, જેની સામે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોને ફાયદો થઈ શકે છે.
ભારતના હિતો સાથે કોઈ જ સમાધાન નહીં: મોદીનો હુંકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટેરિફના વિરોધમાં મજબૂત વલણ અપનાવ્યું છે. અમદાવાદમાં એક જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, “ગમે તેટલું દબાણ આવે, અમે તેનો સામનો કરવાની તાકાત વધારતા રહીશું. આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી ઘણી ઊર્જા મળી રહી છે.” તેમણે ખેડૂતો, નાના ઉદ્યોગકારો અને પશુપાલકોને ખાતરી આપી કે સરકાર તેમના હિતોનું રક્ષણ કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ટેરિફને “અન્યાયી, અયોગ્ય અને ગેરવાજબી” ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતની રશિયન તેલની ખરીદીએ વૈશ્વિક તેલ બજારોને સ્થિરતા આપી છે અને અમેરિકા સહિત યુરોપ પણ ભારતમાંથી રિફાઇન્ડ તેલ ખરીદે છે.
