હવે શિવસેનાના ધારાસભ્યનું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન!
જીભ કાપીને લાવશે તેને ૧૧ લાખ રૂપિયા ઇનામ આપવાની કરી જાહેરાત
કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અમેરિકામાં નિવેદનોને કારણે દેશમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.’
બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.’કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનની સામે કોંગ્રેસે પણ સામે નિવેદન આપ્યું છે કે, “બિટ્ટુએ પોતાના મગજની સારવાર કરાવવી જોઈએ. બિટ્ટુએ પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.”
બીજી તરફ પંજાબમાં વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ રવનીત સિંહ બિટ્ટુની ટિપ્પણીની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી વિશે બિટ્ટુની ટિપ્પણી ન માત્ર શિક્ષણ અને સંસદીય સિદ્ધાંતોની સમજણનો અભાવ દર્શાવે છે. પરંતુ જવાબદાર જાહેર વર્તણૂકની સ્પષ્ટ ઉપેક્ષા પણ દર્શાવે છે. તેમની આ ટિપ્પણી પરથી પ્રતીત થાય છે કે, તેમણે પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તમે મનોચિકિત્સકની મદદ લઈને પોતાના મગજની સારવાર કરાવી લો. બિટ્ટુની બેજવાબદાર ટિપ્પણી લોકશાહીનું અપમાન છે અને તેમને માફ ન કરી શકાય.”