હવે આવશે કૃષિ ક્રાંતિ! ડ્રોન,AI અને રોબોટથી થશે ખેતી : નીતિ આયોગે તૈયાર કર્યો રોડ મેપ,ખેડૂતોની આવક વધશે
જો કેન્દ્ર સરકારે હાથ ધરેલી યોજના સંપૂર્ણ સફળ થશે તો આવનારા સમયમાં ખેતી હવે હળ કે બળદના આધારે નહી પરંતુ ડ્રોન, એ.આઈ., રોબોટ અને બીજનાં જીન એડીટીંગથી થશે. નવી પદ્ધતિમાં પાણી ની બરબાદી શૂન્ય થઇ જશે અને ખેડૂતોની આવક અત્યાર કરતા બમણી થઇ જશે. નીતિ આયોગે દેશમાં ખેતીની દિશા અને દશા બદલવા માટે આવનારા પાંચ વર્ષ માટે એક રોડ મેપ જાહેર કર્યો છે અને તેમાં કૃષિ ક્રાંતિનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
નીતિ આયોગે જે રોડ મેપ બનાવ્યો છે તેમાં કૃષિ ક્ષેત્રને 100 ટકા આત્મનિર્ભર બનાવવા માટે એવી ટેકનોલોજી પસંદ કરવા આવી છે જેના પરિણામે કૃષિ ક્રાંતિ આવી શકે છે.
આ નવી ટેકનોલોજી ક્લાઈમેટ ચેન્જ, પાણીની તંગી, અયોગ્ય માટી અને બજારની અનિશ્ચિતતાને ખત્મ કરવામાં મદદ કરશે. આ રોડ મેપમાં નવી પધ્ધતીના અમલને લીધે આવનારા પાંચ વર્ષમાં ખેતી પાછળ થતા ખર્ચમાં 40 ટકાના ઘટાડાનું અનુમાન રાખવામાં આવ્યું છે. સાથોસાથ ખેત ઉત્પાદનમાં 60 ટકા વધારો નોંધાશે.
આ પણ વાંચો : ભરોસો ભારે પડ્યો! ગોલ્ડ બોન્ડ યોજનાથી સરકારને કરોડો રૂપિયાની ખોટ, SBIના અહેવાલમાં ચિંતાજનક ધડાકો
નવી કૃષિ પદ્ધતિમાં માટીની સ્થિતિ અને પોષક તત્વની માહિતી સાતેય દિવસ અને ચોવીસ કલાક મોબાઈલ ઉપર ઉપલબ્ધ હશે, દરેક ગામ અને દરેક પાકની અલગ ડીજીટલ ફોર્મ્યુલા, બીજથી બજાર સુધીની પારદર્શક ચેઈન, નકલી ખાતર અને નકલી બીજની સમસ્યા ખતમ થશે, દરેક રોપને અલગ અલગ ખાતર અને પાણી, માટી વગર અને ઓછા પાણીએ આખું વર્ષ પાકની ઉપજ વગેરેનો સમાવેશ થાય છે.
ખેડૂતોને કેવી રીતે થશે લાભ
- આવક : એક એકરમાં ઘઉંની હાલની આવક 25 હજાર છે જે 2030માં વધીને 70 હજાર થઇ જશે
- ખર્ચ : ખાતર, પાણી અને દવામાં 40 ટકા ખર્ચ બચી જશે
- એક કલાકમાં ૫૦ એકર જમીન ઉપર જંતુનાશક દવાનો છંટકાવ થશે. વાવણી, લણણી બધુ ઓટોમેટિક હશે.
- ઉત્પાદન : ખેતી ઉત્પાદનમાં 60 ટકા વધારો થશે.
- બચત : હાઈડ્રો અને એરોપોનીક્સને લીધે પાણીની 90 ટકા બચત થશે
- માર્કેટ : 100 ટકા બ્લોક ચેઈન હશે.
દર વરસે આવી રીતે હાંસલ થશે લક્ષ્યાંક
2026- પાયલોટ પ્રોજેક્ટ : 10 રાજ્યોમાં ડ્રોન એ.આઈ. હબ. 1 લાખ એકર જમીનને કવર કરાશે
2027- ડીજીટલ વ્યાપ : 50 ટકા ખેડૂતોને વિનામૂલ્યે એપ.સેટેલાઈટ ડેટા અને આઈ.ઓ.ટી ( ઈન્ટરનેટ ઓફ થિંગ્સ )કીટ મળશે
2028- વૈશ્વિક માર્કેટ : બ્લોક ચેઈન મારફત સીધી નિકાસ
2029- રોબોટ ક્રાંતિ : રોબોટનું ભાડુ 500 રૂપિયા પ્રતિ દિવસ, આવા 50 હજાર યુનિટ મુકાશે
2030- સ્માર્ટ વિલેજ : દરેક ગામમાં ડીજીટલ ખેતર, આવક થશે બમણી
