હવે તો હદ થઈ! ગાઝિયાબાદમાં કાલ્પનિક રાષ્ટ્રની નકલી એમ્બેસીનો પર્દાફાશ : UP STFએ ફ્રોડ હર્ષવર્ધન જૈનની કરી ધરપકડ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં હર્ષવર્ધન જૈન નામના એક ભેજાબાજ શખ્સે ‘વેસ્ટઆર્કટિકા’ નામના એક કાલ્પનિક માઇક્રોનેશનની નકલી એમ્બેસી ચલાવીને લોકોને છેતરવાનો ખેલ રચ્યો હતો. પોતાને ‘બેરોન’ તરીકે ઓળખાવતા જૈન ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી લક્ઝરી કારમાં ફરતા હતા અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથેના બનાવટી ફોટો બતાવીને ઉચ્ચ સમાજમાં પ્રભાવ જમાવી વિદેશમાં નોકરીનું લાલચુ આપીને લોકોને લૂંટતા હતા.એક ભાડાના આલિશાન મકાનને તેમણે ‘વેસ્ટઆર્કટિકા’ની રાજદૂત કચેરી બનાવી નાખી હતી.
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ 22 જુલાઈના રોજ જૈનની ધરપકડ કરી અને તેની પાસેથી ચાર લક્ઝરી કાર, 12 માઇક્રોનેશનના બનાવટી પાસપોર્ટ, 34 દેશોની સ્ટેમ્પવાળા દસ્તાવેજો, 44 લાખ રૂપિયા રોકડા, વિદેશી ચલણ અને 18 ડિપ્લોમેટિક નંબર પ્લેટ જપ્ત કર્યા હતા. જૈન પર વિદેશમાં નોકરીનું વચન આપીને છેતરપિંડી અને હવાલા રેકેટ ચલાવવાનો આરોપ છે.
આ પણ વાંચો : MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ

શું છે માઇક્રોનેશન અને વેસ્ટઆર્કટિકા?
માઇક્રોનેશન એવા કાલ્પનિક અથવા સ્વ-ઘોષિત સમૂહ હોય છે જે પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કરે છે, પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય સરકાર કે સંસ્થા દ્વારા તેમને માન્યતા મળતી નથી. આવા માઇક્રોનેશન પોતાના ધ્વજ, ચલણ અને ટાઇટલ જાહેર કરે છે, પરંતુ તેમનું અસ્તિત્વ માત્ર કાગળ પર હોય છે. વેસ્ટઆર્કટિકા પણ એક માઇક્રોનેશન છે, જેની સ્થાપના 2001માં અમેરિકન નેવી ઓફિસર ટ્રેવિસ મેકહેનરીએ કરી હતી. આંટાર્કટિકાના 6,20,000 ચોરસ માઇલ વિસ્તાર પર દાવો કરતું આ માઇક્રોનેશન ‘ગ્રાન્ડ ડચી ઓફ વેસ્ટઆર્કટિકા’ તરીકે ઓળખાય છે . મેકહેનરીએ આંટાર્કટિક ટ્રીટીની ખામીનો લાભ ઉઠાવીને પોતાને ‘ગ્રાન્ડ ડ્યૂક’ જાહેર કર્યા હતા .વેસ્ટઆર્કટિકા 2,356 નાગરિકો ધરાવે છે, પરંતુ કોઈ ત્યાં રહેતું નથી.
