હવે વરસાદ-વાવાઝોડાની માહિતી પળવારમાં મળશે : ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ
દેશમાં હવામાનની આગાહીની નવી ‘ ;ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ થઈ છે, જેનો NDRF સહિત દેશના અનેક લોકોને ફાયદો થવાનો છે. હવામાન વિભાગ આ સિસ્ટમના કારણે શિયાળો, ઉનાળો, ચોમાસુમાં બદલાતા મોસમ અંગે સચોટ અને ચોક્કસ આગાહી કરી શકાશે.
ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવા માટે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહની ઉપસ્થિતિમાં આ હવામાન આગાહી સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જિતેન્દ્ર સિંહે છ કિલોમીટરની રિવોલ્યૂશન ક્ષમતાવાળા બીએફએસને હવામાન વિભાગને સમર્પિત કર્યું છે.
હવામાન વિભાગે દાવો કર્યો છે કે, ‘આ નવી ભારત ફોરકાસ્ટ સિસ્ટમ અચાનક આવતું વાવાઝોડું, વરસાદ સહિતના હવામાનની સચોટ અને ઝડપી આગાહી આપી શકશે. વર્ષ 2022માં આ નવી ટેકનોલોજી પર કામ શરૂ કરાયું હતું. બીએફએસનું ત્રણ વર્ષ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી સિસ્ટમે વરસાદની 30 ટકા અને મોનસૂનની 64 ટકા સચોટ આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી બે વર્ષમાં નવી સિસ્ટમની ક્ષમતા ચાર કિલોમીટર સુધી લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
