હવે મેઘાલયમાં શિવલિંગનો આકાર ધરાવતી ગુફા અંગે હિન્દુઓ મેદાનમાં
હિન્દુ ધર્મસ્થળ હોવાનો દાવો કરી પૂજાનો અધિકાર માગ્યો
દેશમાં અનેક ધાર્મિક સ્થળો અંગે ચાલતા વિવાદમાં વધુ એકનો ઉમેરો થયો છે. મેઘાલયમાં ખાસી પર્વતમાળા પર મોસીનરામ નામના ગામ પાસે આવેલી માવજ્યુમબુઈન નામની શિવલિંગનો આકાર ધરાવતી કુદરતી ગુફા હિન્દુઓનું ધર્મસ્થળ હોવાનો દાવો કરી
કુટુંબ સુરક્ષા પરિષદ નામના હિન્દુ સંગઠને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. જો 23 તારીખ સુધીમાં એ માગણી સ્વીકારવામાં નહીં આવે તો ક્રિસમસ પહેલા જોરબાટ જિલ્લામાં ચક્કાજામ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મેઘાલયની પર્વતમાળા પર આવેલ આ કુદરતી ગુફામાં હિન્દુ પૂજન વિધિ કરવાથી તેનું વ્યાપારીકરણ થવાનો તેમજ તેનાથી એ વિસ્તારમાં બહુમતી ધરાવતા ખ્રિસ્તી ધર્મનું પાલન કરતાં ખાસી સમુદાયની સાંસ્કૃતિક પરંપરાઓને નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરી સ્થાનિક સત્તાવાળાઓએ એ સ્થળે પૂજન વિધિ કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. નોંધનીય છે કે આ સ્થળ સાથે ખાસી સમુદાયના સાંસ્કૃતિક તાણાવાણા છે. એ સમુદાય પિતૃઓ અને પ્રકૃતિનું પૂજન કરે છે અને એ સંદર્ભે આ ગુફાને એમના સમુદાયનું અભિન્ન અંગ માને છે.
બીજી તરફ હિન્દુ સંગઠનોનો દાવો છે કે મેઘાલયમાં ખ્રિસ્તી ધર્મનો જન્મ પણ નહોતો થયો તે પહેલાથી હિન્દુઓ શિવલિંગ આકારની એ ગુફામાં પૂજા વિધિ કરતા હતા. કુટુંબ સુરક્ષા પરિષદના પ્રમુખ સત્ય રંજન બોરાહ એ કહ્યું અમે કૃષ્ણ ભક્તો છીએ. જે કૃષ્ણ વાંસળી વગાડતા અને જેમણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યો હતો તેના અમે ભક્તો છે. આ ગુફાની તુલના તેમણે કેદારનાથના મંદિર સાથે કરી હતી. 650 ફૂટની ઊંચાઈ ધરાવતી આ ગુફામાં શિવલિંગ આકારના પથ્થર ઉપર સતત પાણી ટપકતું રહે છે. શ્રાવણ મહિનામાં અનેક હિંદુઓ તેના પૂજન અને દર્શન માટે જતા રહે છે. આ સ્થળ પર્વતારોહકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
બોરાહે કહ્યું કે અમે આસામ અને મેઘાલય બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને રજૂઆત કરી દીધી છે. હવે નિર્ણય એ બે સરકારે કરવાનો છે. જો હિન્દુઓની માગણી સ્વીકારવામાં નહીં આવે તો તે પછી સર્જાનારી કોઈ પણ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર રહેશે તેવી તેમણે ચેતવણી આપી હતી. બીજી તરફ ખાસી સમુદાયના વિદ્યાર્થી સંગઠને આ માંગણી નો વિરોધ કરતા ઘર્ષણ થવાની ભીતિ સેવાઈ રહી છે.