હવે સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ,ઝેપ્ટો અને ફ્લીપકાર્ટમાં 10 મિનિટમાં ડિલિવરી નહી: કંપનીઓ લાઈન હટાવશે, સરકારે લગાવ્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારે જુદી જુદી ક્વિક કોમર્સ પ્લેટફોર્મની 10 મિનિટની ડિલિવરી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ પછી હવે સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ,ઝેપ્ટો અને ફ્લીપકાર્ટમાં 10 મિનિટમાં ડિલિવરી નહી કરે. સરકારે ડિલિવરીબોયની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યુ છે કે, સ્પીડ કરતા સલામતિ વધુ જરૂરી છે. સરકારનું માનવું છે કે ડિલિવરી વહેલા કરવાના દબાણમાં લોકોના જીવ જોખમમાં નાંખી શકાય નહીં.
ભારતમાં નાના-મોટા સામાન તથા ભોજનને લઈને ચાલતી એપ્સમાં સૌથી વધુ ઝડપી ડિલિવરીની હરીફાઈ જામી છે. કંપનીઓ દાવો કરતી હતી કે ઓર્ડર કર્યાના 10 જ મિનિટમાં સામાન ગ્રાહકના ઘરે પહોંચી જશે. જો સામાન 10 મિનિટમાં ન પહોંચે તો ડિલિવરી પાર્ટનર્સને ઓછા રેટિંગ્સનો સામનો કરવો પડતો હતો. આવી હરીફાઈના કારણે ડિલિવરી પાર્ટનર્સ ઘણીવાર ટ્રાફિક નિયમો તોડતા જોવા મળતા હતા.
સરકારી નિર્દેશો બાદ હવે આવી ક્વિક કોમર્સ કંપનીઓ પોતાના 10 મિનિટમાં ડિલિવરીના દાવા નહી કરે.આ કંપનીઓએ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ અને ડિલિવરીબોયની સલામતી અંગેની ચિંતાઓને પગલે આ પગલું ભર્યું છે.
સરકાર સાથેની બેઠકમાં, બ્લીન્કીટ, સ્વિગી, ઝોમેટો અને ઝેપ્ટોએ ખાતરી આપી હતી કે તેઓ હવે ગ્રાહકોને ડિલિવરીની સમયમર્યાદા જાહેર કરશે નહીં.મીટિંગ બાદ, બધી મોટી ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી કંપનીઓએ સરકારને ખાતરી આપી કે તેઓ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને જાહેરાતોમાંથી “ટાઈમ-બાઉન્ડ ડિલિવરી” ના દાવાઓને દૂર કરશે.
બ્લિંકિટે તેના લોગો અને એપ ઇન્ટરફેસમાંથી 10-મિનિટના ટેગને દૂર કરવાનું શરૂ કર્યુ છે. કંપનીઓ કહે છે કે તેઓ હવે “ઝડપી ડિલિવરી” પર ધ્યાન કેન્દ્રિત કરશે, નિશ્ચિત સમય પર નહીં.
આ કંપનીઓ હવે તેમની માર્કેટિંગ વ્યૂહરચના બદલશે. અત્યાર સુધી, “10 મિનિટ” તેમનો સૌથી મોટો યુએસપી હતો. જો કે, કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ તેમની કાર્યકારી કાર્યક્ષમતા ઘટાડશે નહીં, પરંતુ રાઇડર્સ પર દબાણ લાવનારી જાહેરાતો દ્વારા ગ્રાહકોમાં અપેક્ષાઓ પેદા કરશે નહીં.
