હવે CBSEની ધો.10ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે : 2026થી લાગુ થશે નવા નિયમો
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત એટલે કે ફેબ્રુઆરીમાં અને મે માં લેવાની જાહેરાત કરી છે. 2026થી આ નવો નિયમ લાગુ થશે.

CBSE એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, CBSEએ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાના મોડલને મંજૂરી આપી દીધી છે. ધોરણ 10ની પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજાશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી પરીક્ષાના પરિણામ એપ્રિલમાં અને મેમાં યોજાનારી પરીક્ષાના પરિણામ જૂનમાં જાહેર થશે.

ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષામાં ભાગ લેવો અનિવાર્ય છે. બીજી મેમાં યોજાનારી બોર્ડ પરીક્ષાનો વિકલ્પ વૈક્લ્પિક રહેશે. પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી પોતાના માર્ક્સ સુધારી શકશે. નવા નિયમોના કારણે ઈન્ટરનલ અસેસમેન્ટ વર્ષમાં એક જ વખત થશે.
આ પણ વાંચો : Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
CBSE તરફથી ફેબ્રુઆરીમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તે અનુસાર, પ્રથમ તબક્કાની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન આયોજિત થશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા 5થી 20મેના રોજ આયોજિત થશે. પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં પાઠ્યક્રમ એક જ રહેશે. અને સંપૂર્ણ પાઠ્યક્રમ સામેલ થશે. જે પણ વિદ્યાર્થી આ બંને પરીક્ષામાં ભાગ લેવા માગતા હોય તેમના પરીક્ષા કેન્દ્ર એક જ રહેશે.