હવે કારોમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ આવશે
2025, 1 એપ્રિલથી ઉત્પાદિત કારો માટે એલાર્મ અનિવાર્ય: સરકારે જાહેરનામું બહાર પાડ્યું
કારના શોખીનો અને કાર કંપનીઓ માટે નવો નિયમ આવી રહ્યો છે. કારમાં પેસેન્જરની સેફટી વધારવા માટે સરકાર નવા-નવા નિયમો લાગુ કરી રહી છે અને તેના ભાગરૂપે વધુ એક સેફટી ફીચરને સરકાર અનિવાર્ય કરવા જઇ રહી છે. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં જ એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ નોટિફિકેશનમાં એવો ઉલ્લેખ છે કે, 2025ના પહેલી એપ્રિલથી ઉત્પાદિત તમામ કારોમાં રિયર સીટ બેલ્ટ એલાર્મને સામેલ કરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. સરકારનો હેતુ એવો છે કે, સેફટીને લઈને પાછળની સીટ પર બેસનાર યાત્રિકોને પણ સીટ બેલ્ટ પહેરવાનું છે.
ટાટા સન્સના પૂર્વ પ્રમુખ સાઇરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને એમણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. આ બનાવ બાદ પરિવહન મંત્રાલય દ્વારા પાછળની સીટ પર બેસનારા માટે પણ સખત નિયમ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
સરકાર સખ્તાઈથી પાછળની સીટના યાત્રિકોની સલામતી માટે અમલ કરાવવા માંગે છે. પાછળના યાત્રિકો જો સીટ બેલ્ટ ન પહેરે તો ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવશે. પાછળના યાત્રિકોની સલામતી પણ આગળના ડ્રાઈવર અને તેની બાજુના માણસની જેમ જ જરૂરી છે.
2025ના 1 એપ્રિલથી ઉત્પાદિત તમામ કારોમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ સામેલ કરવામાં નહી આવે તો તેના માટે પણ સખત પગલાંની જોગવાઈ છે અને દંડ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એક રીતે જોઈએ તો સરકાર લોકોના જાનની સલામતી માટે આ નવો નિયમ દાખલ કરી રહી છે. તેમ મંત્રાલય દ્વારા જણાવાયું હતું.