હવે લેબેનોન સરહદે પણ પૂર્ણ કક્ષાના યુદ્ધના એંધાણ
ઇઝરાયલ એર સ્ટ્રાઈક શરૂ કરી દીધી
લેબેનોનનાં હુમલામાં સેનાના ટોચના અધિકારી શહીદ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વિસ્તરી રહ્યું છે. રવિવાર અને સોમવારે દક્ષિણ લેબેનોન સરહદ તરફથી ઈરાનના પીઠબળવાળા આતંકવાદી સંગઠન હેઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ ઉપર એક પછી એક હુમલા થતાં સ્થિતિએ ગંભીર વળાંક લીધો છે. ઇઝરાયેલ સેનાએ પણ લેબેનોન ઉપર વળતા હુમલા અને એર સ્ટ્રાઈક કરી હેઝબોલ્લહના અનેક થાણા તબાહ કરી દીધા હતા.
આ અગાઉ ઈરાન અને હેઝબોલ્લાહ બંનેએ ગાઝા ઉપર નું આક્રમણ અટકાવી દેવા માટે અને નહિતર ગંભીર પરિણામો માટે તૈયાર રહેવા ઇઝરાયેલને ધમકી આપી હતી. ઇઝરાયેલ જો ગાઝાનો કબજો લેશે તો ઈરાન પણ યુદ્ધમાં ઝંપલાવશે એવી ગર્ભિત ચેતવણી ઈરાનના વિદેશ મંત્રીએ આપી હતી. તે પછી પણ જો કે ગાઝા ઉપર ઇઝરાયેલના હુમલા ચાલુ રહ્યા હતા.
એ દરમિયાન દક્ષિણની સરહદ પાસેથી હેઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ ઉપર હુમલા નો દોર ચાલુ થયો હતો. એ સંગઠને એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ દ્વારા કરેલા હુમલામાં ઇઝરાયેલના લેફટેનન્ટ અમિત્ય ઝૂબી ગ્રેનોટ શહીદ થયા બાદ ઇઝરાયેલ પણ હેઝબોલ્લાહ ઉપર તૂટી પડ્યું હતું. આ બંને વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં હેઝબોલ્લાહના 10 આતંકીઓ અને ઇઝરાયેલના બે સૈનિકોના મૃત્યુ થયા છે. નોંધનીય છે કે અમેરિકાએ તો ઇઝરાયેલ ઉપર હમાસે કરેલા હુમલા માટે પણ ઈરાનને જવાબદાર ગણાવ્યું છે.
આ અગાઉ ખુદ અમેરીકી પ્રમુખને પણ ઈરાનને આ યુદ્ધથી દૂર રહેવા માટે ચેતવણી આપી હતી. લેબેનોન સરહદે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાના જોખમને ધ્યાનમાં રાખી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દુબઈથી દવાઓ ભરેલા બે શીપ લે-બેનોન રવાના કરવામાં આવ્યા હતા.
લેબેનોન સરહદે ઇઝરાયલે 28 વસાહતો ખાલી કરાવી
લેબેનોન સરહદ પર મોટી સંખ્યામાં ઇઝરાયેલી દળો ખડકાઈ ગયા છે. પરિસ્થિતિ ગમે ત્યારે વિસ્ફોટક બની શકે છે એવા એંધાણ મળ્યા બાદ ઇઝરાયલે એ સરહદ નજીકની પોતાની 28 વસાહતો ખાલી કરાવી તમામ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. ઇઝરાયેલી સેનાના આ પગલાંને કારણે વાસ્તવમાં યુદ્ધનો ખતરો હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
ઇઝરાયેલ પક્ષે મોટી જાનહાની કુલ 191 સૈનિક શહીદ થયા
હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના જંગમાં ઇઝરાયેલના પક્ષે પણ ખૂબ મોટી જાનહાનિ થઈ છે. 1400 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યા મુજબ હજુ પણ 351 ઘાયલો હોસ્પિટલમાં સારવારે હેઠળ છે અને તેમાંથી 89 ની હાલત ગંભીર છે.આ યુદ્ધમાં ઇઝરાયેલના 191 સૈનિકો શહીદ થયા છે જેમાં 54 ઓફિસર નો પણ સમાવેશ થાય છે.