સૌરાષ્ટ્રને ધમરોળતી 19 શખ્સોની કૂખ્યાત ગેંગ ‘ગુજસીટોક’માં પુરાઇ: ચોરી, લૂંટ સહિત 92 ગુન્હા આચર્યા, રાજકોટ રૂરલ પોલીસની કાર્યવાહી
સૌરાષ્ટ્રભરમાં લૂંટ, ચોરી સહિતના ગુનાઓ આચરતી કૂખ્યાત 19 શખસોની ગેંગ સામે રાજકોટ રૂરલ પોલીસે ગુજસીટોક લગાડી 10ની ધરપકડ કરી છે. અન્ય 4 જેલમાં છે. જ્યારે અન્યોને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે.
ભાવનગરના પાલીતાણામાં રહેતો રણજીત છેક બોલીયો ઉર્ફે રામજી નામના શખસે ભાવનગર પંથકના સાગરીતો સાથે મળીને છેલ્લા દશ વર્ષ દરમિયાન લૂંટ, ચોરી, ઘરફોડી સહિતના ગુનાઓ આચર્યા હતાં. રણજીત સામે દુષ્કર્મ સહિતના 45 ગુના નોંધાયેલા છે.
19 શખસોની ગેંગે મળી સૌરાષ્ટ્રના અલગ-અલગ 14 ચોરી, ભાવનગર જિલ્લામાં 27, અમરેલીમાં 11, બોટાદમાં 19, જૂનાગઢમાં 3, ગીર-સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકામાં 2, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 1 અને અમદાવાદમાં 1 મળી 92 ગુનાઓ આચાર્ય છે. ગેંગનું મુખ્ય કામ ઘરફોડી, ચોરી હતું. 92 ગુનાઓમાં 80 ગુનાઓ દિવસ તથા રાત્રીના સમયે ઘરફોડી, ચોરી આચરવાના જ્યારે 5 ગેંગ કેસ નોંધાયેલા છે.
સૌરાષ્ટ્રને ધમરોળતી ભાવનગર પંથકની ગેંગને ગુજસીટોક હેઠળ પુરવા માટે એસ.પી. વિજયસિંહ ગુર્જરના નેજા હેઠળ એલ.સી.બી. પી.આઈ. વી.વી. ઓડેદરા તથા ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને 19 શખસોની ગેંગને ગુજસીટોકના સાણસામાં લીધી છે. વિછીયા પોલીસ મથક હેઠળ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાવી 19 શખસોની ધરપકડ કરી છે. અન્ય 4 જેલમાં જ છે. જ્યારે ફરાર 5ને પકડી લેવા દોડધામ આદરાઈ છે. જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ એ. ડોડીયા દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
ગેંગના 19 શખસો સામે ગુનાઓની હારમાળા
ભાવનગર પંથકની ગેંગમાં મુખ્ય સુત્રધાર પાલીતાણાના રણજીત ઉર્ફે બોડીયા સામે 45 ગુના, અન્ય સાગરીતો ભરત ઉર્ફે પથુ મનુ વાઘેલા સામે 32 ગુના, ભયલુ મનુ વાઘેલા સામે 7 ગુના, સંજય ઉર્ફે સીજે મનુ વાઘેલા સામે 8, મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કામલી રમેશ સોલંકી સામે 31, અજય ઉર્ફે બોડીયો જેંતી ઝાપડીયા સામે 20, મનજી ઉર્ફે બાટલી, પરસોતમ ડાભી સામે 21, વિપુલ બચુ વણોદીયા સામે 14, અશોક લાભુ સોલંકી સામે 14, સંજય બાવકુ ઉર્ફે બાબુ સોલંકી સામે 4, મનજી ઉર્ફે કાળીયો ઉર્ફ બોડીયો ગંભીર પરમાર સામે 18, રાજુ ઉર્ફે ભાણો ઉર્ફે રાજેશ મંગા પરમાર સામે 6, નરેશ મગન કારડીયા ઉપર 8, દિનેશ ધીરુ વાઘેલા સામે અજીત ઉર્ફે ટીહલો પુના વાઘેલા ઉપર અર્જુન ભગવાન ઉર્ફે ભગા વાઘેલા ઉપર 4 અને હિરા ઉર્ફે નાનો દલસુખ સાથળીયા ઉપર 4 ગુના નોંધાયેલા છે.
