કેજરીવાલને રાહત ન મળી : ધરપકડને પડકારતી અરજી ઉપર હવે ૨૯મીએ નિર્ણય
‘કેજરીવાલ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે, આતંકવાદી નહીં…’, બચાવ પક્ષની દલીલ બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
લીકર કાંડમાં સી.બી.આઈએ કરેલી ધરપકડ સામે કરવામાં આવેલી પીટીશનમાં અરવિંદ કેજરીવાલને બુધવારે કોઈ રાહત મળી ન હતી. દિલ્હી હાઇકોર્ટે ચુકાદો અનામત રાખીને વધુ સુનાવણી આગામી તા. ૨૯મીએ રાખી છે.
કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈ કોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેસ નોંધ્યા બાદ છેલ્લા બે વર્ષમાં કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઇડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરવામાં આવી. સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલ ચૂંટાયેલા મુખ્યપ્રધાન છે, કોઈ આતંકવાદી નથી.
સિંઘવીએ આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને પણ ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, ઈમરાન ખાનને ત્રણ દિવસ પહેલા એક કેસમાં મુક્ત કરવામાં આવ્યા. આ વાત બધાએ અખબારમાં વાંચી હતી પરંતુ બાદમાં બીજા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આપણા દેશમાં આવું ન થઈ શકે.
સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં કેજરીવાલની ધરપકડ એ બંધારણની કલમ 14, 21, 22 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. સીબીઆઈએ તેમની પ્રથમ પૂછપરછ માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે કેજરીવાલને નોટિસ આપવાનું જરૂરી ન સમજ્યું.
સીબીઆઈએ ધરપકડ માટે ટ્રાયલ કોર્ટને એક જ કારણ આપ્યું હતું કે કેજરીવાલ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી રહ્યા ન હતા. તપાસ એજન્સીને ઇચ્છિત જવાબ ન આપવા બદલ કોઈની ધરપકડ કરી શકાય?
હવે આ મામલામાં હાઇકોર્ટ ૨૯મીએ પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે.