રાજકોટના બેડીપરામાં નવું ફાયર સ્ટેશન, રેલનગરમાં શાક માર્કેટ બનાવવામાં કોઈને રસ નથી !
રાજકોટના TRP ગેઈમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના દરેક ફાયર સ્ટેશનની કાયાપલટ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ શહેરની વસતી અને વિસ્તાર વધી રહ્યા હોય આ જરૂરિયાત બળવત્તર બની રહી હતી. થોડા સમય પહેલાં શહેરના કનક રોડ પર આવેલા સૌપ્રથમ ફાયર સ્ટેશનને તોડી પાડી તેના સ્થાને નવું ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 21.44 કરોડના ખર્ચે બેડીપરાના ફાયર સ્ટેશનનું નવિનીકરણ કરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું. આ ઉપરાંત રેલનગરમાં શાક માર્કેટ બનાવવા માટે પણ ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ આ બન્ને મહત્ત્વના કામ કરવામાં કોઈ એજન્સીએ રસ ન દાખવતાં રિ-ટેન્ડર કરાયું છે.

બેડીપરા ફાયર સ્ટેશનની વાત કરવામાં આવે તો અહીં શહેરનું સૌપ્રથમ 12 માળનું ફાયર સ્ટેશન બનાવવાનો ઈરાદો જાહેર કરાયો હતો. અહીં 15 કાર, 76 ટુ-વ્હીલરનું પાર્કિંગ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયરની પાંચ ગાડી તૈનાત રહેશે સાથે સાથે કંટ્રોલરૂમ, ટોઈલેટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. જ્યારે મેઝેનાઈઝ ફ્લોર પર રેસ્ટ રૂમ,-ટોયલેટ, પ્રથમ માળે એડમિન ઓફિસ, હોલ, સ્ટેશન ઓફિસ, બે ઓફિસ-ટોઈલેટ, બીજા માળે 3 બીએચકેના બે ફ્લેટ અને ત્રીજાથી બારમા માળ સુધી બે બીએચકેના 40 ફ્લેટની સુવિધા તૈયાર કરાશે. આ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ બે એજન્સીએ રસ દાખવ્યો હતો પરંતુ તે ક્વોલિફાઈડ ન થઈ રહી હોવાથી તેનું નવેસરથી ટેન્ડર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં મોટી રાઇડ્સને હવે નો-એન્ટ્રી : કલેકટરે કહ્યું, નાની રાઇડ્સ-સ્ટોલ વધારી જમાવટ વાળો મેળો યોજવા પ્લાન-B રેડી

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ત્રણેય ઝોનમાં શાક માર્કેટ બનાવવાની જાહેરાત કરાયા બાદ રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર મહાપાલિકાના પ્લોટમાં માર્કેટ તેમજ ફૂડ ઝોન બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું. 4.45 કરોડના ખર્ચે બનનારી આ માર્કેટ માટે કોઈએ ટેન્ડર ન ભરતાં ફરીથી ટેન્ડર કરાયું છે.
