નીતિશકુમારને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ફટકો ? જુઓ
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહાર સરકારને એક મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલા 65 ટકા અનામતને રદ કરવાના હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. તેનો અર્થ એ છે કે અનામતની ટકાવારી 50 ટકા જ રહેશે.
બિહાર સરકારે એસસી, એસટી, ઓબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.
આ નિર્ણયને પટના હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને તેના પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ બિહાર સરકારે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ સપ્ટેમ્બરમાં આ મામલામાં વિગતવાર સુનાવણી હાથ ધરશે.
બિહાર સરકારે 9 નવેમ્બર 2023 ના રોજ એક કાયદો પસાર કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકાથી વધારીને 65 ટકા કર્યું હતું. ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાતિ ગણતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત ઓબીસી, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓને અનામતનો લાભ મળવાનો હતો.