NIA ને મળ્યા 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ, તિહાર જેલમાં રખાશે
26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી આતંકી તહવ્વુર હુસૈન રાણાને ગુરુવારે અમેરિકાથી એનઆઇએ ટીમ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર સાંજે 6-22 વાગે લેન્ડ થયું હતું. ગલ્ફસ્ટ્રીમ જી-550 નામના ખાસ અમેરિકી વિમાનમા તેને લવાયો હતો. પાલમ એરપોર્ટ પર વિમાન ઉતર્યા બાદ કડક જાપ્તો ગોઠવી દેવાયો હતો. એનઆઇએ વડામથકે તેની પૂછતાછ શરૂ કરાઇ હતી. જડબેસલાક જાપ્તા વચ્ચે તેને એરપોર્ટથી સીધો એનઆઇએ વડા મથકે લઈ જવાયો હતો.
એનઆઇએની ટીમ અમેરિકાથી આતંકીને લાવવામાં સફળ રહ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીની તિહાર જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે . આ કેસમાં પહેલા પાક નાગરિક કસાબને ફાંસી અપાઈ ચૂકી છે. રાણા હવે પાકિસ્તાનના કરતૂતો ખોલશે તેવી અધિકારીઓને આશા છે. રાણા પાક સેનામાં તબીબ તરીકે સેવા આપી ચૂક્યો છે . મુંબઈ હુમલાના શહીદોના પરિવારોના મુખ પર 17 વર્ષ બાદ ખુશી દેખાઈ છે . એમણે રાણાને ફાંસી આપવાની માંગ કરી છે .
એરપોર્ટ પર એનઆઇએ દવારા રાણાની ધરપકડની વિધિ પૂરી કરાઇ હતી અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરાયો હતો. એરપોર્ટથી તેને સીધો એનઆઇએ વડામથક પર લઈ જવાયો હતો. અહીં તેની ખાસ સેલમાં પૂછતાછ થઈ રહી છે
તિહારમાં જ ખટલો ચાલશે
ત્યારબાદ તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે. જો કે તિહાર જેલમાં જ રાણા સામે ખટલો ચાલવાનો છે અને વર્ચ્યુઅલી તેને કોર્ટમા રજૂ કરાશે.
રાણાએ ભારતમાં તેને પ્રત્યાર્પિત કરવા સામે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર નાઇન્થ સરકીટમાં કરેલી આખરી અરજીને નકારી કઢાવામાં આવતાં રાણાનો કબજો મેળવી ભારતીય અધિકારીઓની ટીમ ખાસ ફલાઇટ દ્વારા નવી દિલ્હી આવવા માટે બુધવારે રવાના થઇ હતી.
ભેદ ખોલશે રાણા
તહવ્વૂર રાણાને ભારત પાછો લાવવાની સમગ્ર કામગીરી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલની બાજ નજર હેઠળ પાર પાડવામાં આવી છે. મુંબઇ પર 2008માં કરેલાં આતંકી હુમલામાંં તેણે ભજવેલી ભૂમિકા બદલ હવે ભારતની કોર્ટમાં રાણા સામે ખટલો ચલાવવામાં આવશે. પાકના ભેદ ખૂલવાની શક્યતા છે .
પાકિસ્તાને હાથ ઊંચા કર્યા કહ્યું, રાણા અમારો નથી !
દરમિયાનમાં રાણાને ભાત લાવવામાં આવ્યા બાદ પાકિસ્તાને પણ પોતાની વિચિત્ર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે રાણા અમારો છે જ નહિ ! પાકના વિદેશ મંત્રાલય દ્વારા એમ જણાવાયું હતું કે રાણાએ 20 વર્ષથી પાકિસ્તાની પાસપોર્ટ રિન્યૂ કરાવ્યો નથી. તે મૂળ કેનેડાનો નાગરિક છે. જો કે હકીકત તો એ છે કે રાણા મૂળ પાકનો જ નાગરિક છે અને પાક સેનામાં તબીબ તરીકે સેવા આપતો હતો.
એનઆઇએની 2011ની ચાર્જશીટમા શું હતું ?
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ પરના આતંકી હુમલા અંગે એનઆઇએ દ્વારા 2011મા તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરાઇ હતી. જેમાં રાણા અને હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીને મુખ્ય આરોપી અને કાવતરાખોર ગણાવ્યા હતા. ભારત વિરુધ્ધ યુધ્ધ કરવા માટે કાવતરું રચવાનો આરોપ મુકાયો હતો. આઈએસઆઈ, લશ્કર અને હુજી જેવા સંગઠનો સાથે મળીને બંનેએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.