આગામી 5 દિવસ મેઘરાજા ધમરોળશે : સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
- ઉત્તર પ્રદેશ- રાજસ્થાન સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી
દેશમાં ચોમાસુ બરાબર જામ્યુ છે અને અનેક રાજ્યોમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ છે અને ઘણા રાજ્યોમાં આવતા દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરથી લોકો વધુ પ્રભાવિત થયા છે. ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની સાથે વીજળી પડવાથી 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામથી લઈને બિહાર સુધીના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ આઘી અનુસાર, આગામી દિવસોમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. કોંકણ તટ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળમાં હળવો વરસાદ, આંધી અને વીજળી પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરાખંડ, મધ્ય ભારત, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, ઝારખંડ ઓડિશા, બિહાર, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ અને મોટાભાગના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં 15 જુલાઈ સુધી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 14 જુલાઈ સુધી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 13 જુલાઈ સુધી, પંજાબ, ઉત્તર હરિયાણામાં 13 જુલાઈ સુધી, હિમાચલ પ્રદેશમાં 13 જુલાઈ સુધી, જમ્મુમાં 15 જુલાઈ સુધી વરસાદ પડશે. પૂર્વી રાજસ્થાનમાં 13 થી 15 જુલાઈ સુધી વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં, બિહારમાં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે.
મુંબઈમાં ભારે વરસાદ, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
મુંબઈમાં શુક્રવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.ભારે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા શનિવારે ‘ ઓરેન્જ એલર્ટ ‘ જારી કરવામાં આવ્યું છે.મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા અંધેરી સબવેમાં પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગે કહ્યું છે કે પાલઘર, થાણે, ધુલે, નંદુરબાર, જલગાંવ, નાસિક, અહમદનગર, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, ઔરગાબાદ, જાલના, પરભણી, બીડ, હિંગોી, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ, અકોલા, અમરાવતી, બુલઢાણા, ગઢચિરોલી, નાગપુર, વર્ધા, વાશીમમાં ભારે વરસાદ પડી શકે છે.