ખેડૂતોને નવા વર્ષની ભેટ : ફર્ટીલાઇઝર સબસીડીની જાહેરાત, DAP બેગના દરમાં પણ નહીં થાય વધારો
નવા વર્ષના પહેલા દિવસે કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, જેના માટે કુલ 69515.71 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખેડૂતોને 50 કિલો DAPની થેલી 1350 રૂપિયામાં મળતી રહેશે. સરકારે DAP પર 3850 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા જતા ભાવને કારણે લેવામાં આવ્યો છે, જેથી વધતા ભાવની ખેડૂતો પર અસર ન થાય.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે કેબિનેટે 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળા માટે ડીએપી પરના એક વખતના વિશેષ પેકેજને ખેડૂતોને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે , કેબિનેટના નિર્ણયથી એ સુનિશ્ચિત થશે કે ખેડૂતોને 50 કિલોની થેલી દીઠ રૂ. 1,350ના દરે DAP ખાતર મળતું રહેશે.
વૈષ્ણવે કહ્યું કે 2025 ની પ્રથમ કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોને સમર્પિત કરવામાં આવી છે, આ પ્રથમ બેઠકમાં ખેડૂતો સાથે સંબંધિત વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા અને આજે લેવાયેલા નિર્ણયો સંપૂર્ણપણે ખેડૂતોના કલ્યાણ પર કેન્દ્રિત છે.
DAP નો અર્થ શું છે ?
ડીએપી એટલે ડી-એમોનિયમ ફોસ્ફેટ, તે એક ખાતર છે જે પાક અને છોડ માટે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે. ડીએપી એ પાણીમાં દ્રાવ્ય ખાતર છે જે એમોનિયા અને ફોસ્ફોરિક એસિડની પ્રતિક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તે ખેતી અને અન્ય ઉદ્યોગો માટે લોકપ્રિય પસંદગી છે કારણ કે તે ઝડપથી ઓગળી જાય છે અને તેમાં પોષક તત્ત્વો વધારે હોય છે.