આજે રજૂ થશે નવું આવકવેરા બિલ
નવા ટેક્સની કોઇ જોગવાઇ નહીં: આકારણી વર્ષ જ નહીં રહે, ઘણા ગુનાઓ માટે સજામાં ઘટાડો થશે: લોકસભાના સભ્યોને ડ્રાફ્ટ મોકલાયો: નાણામંત્રી નિર્મલા આજે લોકસભામાં મૂકશે: દેશભરમાં પ્રતિક્ષા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલ નવું આવકવેરા બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા, ૧ ફેબ્રુઆરીના રોજ તેમના બજેટ ભાષણ દરમિયાન, નિર્મલાએ નવું આવકવેરા બિલ લાવવાની વાત કરી હતી. નવા કાયદામાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે નવા બીલમાં કોઈ નવા ટેક્સ લગાવવાની જોગવાઈ નથી. આકારણી વર્ષ શબ્દ જ નીકળી જશે. નાણાકીય વર્ષના સમગ્ર ૧૨ માસને હવે ટેક્સ યર એટલે કે કરવેરા વર્ષ ગણાશે. નવું આવકવેરા બિલ ૨૦૨૫ અથવા નવો ડાયરેક્ટ ટેક્સ કોડ દેશની કર પ્રણાલીમાં સુધારાના મોટા પ્રયાસનો એક ભાગ છે. બિલ રજૂ કર્યા પછી તેને વિગતવાર ચર્ચા માટે લોકસભાની પસંદગી સમિતિને મોકલવામાં આવશે. બિલની એક નકલ લોકસભાના સભ્યોને મોકલવામાં આવી છે. ગયા અઠવાડિયે શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવા આવકવેરા બિલને મંજૂરી આપવામાં આવી હતી.
ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું સરળ બનશે
એવું માનવામાં આવે છે કે આ બિલ કાયદો બન્યા પછી, આવકવેરા રિટર્ન ભરવાનું વધુ સરળ બનશે. નવું આવકવેરા બિલ હાલના આવકવેરા કાયદા ૧૯૬૧નું સ્થાન લેશે. નાણામંત્રીએ સૌપ્રથમ જુલાઈ ૨૦૨૪ના બજેટમાં આવકવેરા કાયદા, ૧૯૬૧ની વ્યાપક સમીક્ષાની જાહેરાત કરી હતી.
બિલ સંસદીય સમિતિને મોકલવામાં આવશે
નાણામંત્રીએ ૮ ફેબ્રુઆરીએ બિલ અંગે કહ્યું હતું કે, “નવા આવકવેરા બિલના પ્રસ્તાવ અંગે, મને આશા છે કે તે આવતા અઠવાડિયે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેને એક સમિતિને મોકલવામાં આવશે. સંસદીય સમિતિ તેના પર ભલામણો આપે પછી, આ બિલ ફરીથી કેબિનેટમાં જશે. કેબિનેટની મંજૂરી બાદ, તેને ફરીથી સંસદમાં રજૂ કરવામાં આવશે.
અનેક ગુના માટે સજામાં ઘટાડો
નવા આવકવેરા બિલમાં કોઈ નવો કર લાદવાની જોગવાઈ રહેશે નહીં. આમાં ફક્ત કર માળખાને તર્કસંગત અને સરળ બનાવવામાં આવશે. હાલના કાયદામાં ઘણા નવા સુધારાઓની જોગવાઈ હશે. ઘણા ગુનાઓ માટે સજામાં ઘટાડો કરવાની જોગવાઈ પણ હોઈ શકે છે.
નવા બિલમાં કર સંબંધી ભાષા સરળ
ઉપરાંત, નવા બિલમાં કર સંબંધિત ભાષા સરળ હશે જેથી સામાન્ય કરદાતા પણ તેને સમજી શકે. નવા બિલનો ઉદ્દેશ્ય કેસ ઘટાડવાનો રહેશે. આ બિલનો ઉદ્દેશ્ય કર પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો પણ છે. જૂની અને ઉપયોગમાં ન હોય તેવી પરિભાષા પણ દૂર કરવામાં આવશે. એકંદરે આ બિલ સરળ શબ્દોમાં હશે.
શું હશે મોટા ફેરફારો
કોઈ નવો કર લાદવાની જોગવાઈ હશે નહીં
નવા બિલનો ઉદ્દેશ્ય કેસ ઘટાડવાનો રહેશે
કર પ્રણાલીમાં પારદર્શિતા આવશે
જૂની પરિભાષા દૂર કરવામાં આવશે. કરવેરા સંબંધિત ભાષા સરળ હશે
ઘણા ગુનાઓ માટે સજામાં ઘટાડો કરવાની જોગવાઈ પણ હોઈ શકે છે
શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ સમયગાળામાં કોઈ ફેરફાર થશે નહીં. કલમ ૧૦૧(બી) હેઠળ, ૧૨ મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ ગેઈન તરીકે ગણવામાં આવશે
નાણાકીય વર્ષના આખા ૧૨ મહિના હવે કર વર્ષ કહેવાશે
આકારણી વર્ષ જેવી કોઈ વસ્તુ રહેશે
નહીં. આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં
નવું આવકવેરા બિલ કુલ ૬૦૦ પાનાનું હશે. કુલ ૧૬ શેડ્યૂલ સાથે કુલ ૨૩ પ્રકરણો હશે. કુલ ૫૩૬ કલમો હશે, અગાઉ ૨૯૮ કલમો હતી