New GST Rates: IPL લવર્સને ઝટકો! હવે ટિકિટ પર 40% GST લાગશે,રમતગમત ક્ષેત્ર પર થશે અસર
GST કાઉન્સિલની બુધવારે નવીદિલ્હીમાં 56મી મળેલી બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો અને દેશની જનતાને દિવાળીની ગિફ્ટ એડવાન્સમાં મોદી સરકારે આપી દીધી હતી. આમ જનતાને રોજ ઉપયોગમાં આવતી ચીજો, ખાવા-પીવાની ચીજો અને ખઘરવપરાશની ચીજો સસ્તી કરી દીધી છે. જ્યારે લકઝરી આઈટમો મોંઘી કરી છે. તંબાકુ, પાન-મસાલ, ગુટખા, સિગારેટ, લકઝરી કાર, દારૂ, કોલ્ડ્રીંક્સ અને ફાસ્ટફૂડ મોંઘા કર્યા છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સસ્તી થઈ છે ત્યારે હવે IPLની ટિકિટો મોંઘી થઈ છે.

ટિકિટ પર 40% GST
GST કાઉન્સિલે નિર્ણય લીધો કે IPL અને તેના જેવી મોટી રમતગમતની ઇવેન્ટ્સની ટિકિટો પર હવે 40 ટકા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગશે. હવે IPL જેવી રમતગમતની ઇવેન્ટ્સમાં પ્રવેશ (ટિકિટ) પર 40 ટકા GST લાગશે. આની સીધી અસર ટિકિટના ભાવ પર પડશે અને દર્શકોના ખિસ્સા પર વધારાનો બોજ વધી શકે છે. જોકે, આ 40 ટકા દર ફક્ત IPL જેવી ઇવેન્ટ્સ પર જ લાગુ થશે.
અગાઉ, IPL ટિકિટો પર 28 ટકા GST લાગતો હતો. હવે IPL ટિકિટોને સૌથી વધુ ટેક્સ સ્લેબ (40 ટકા) માં સમાવવામાં આવી છે, જેમાં કેસિનો, રેસ ક્લબ અને લક્ઝરી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય પછી, IPL ટિકિટોની કિંમત પર સીધી અસર પડશે.

પહેલાં 500 રૂપિયાની IPL ટિકિટ GST ઉમેર્યા પછી 640 રૂપિયામાં મળતી હતી. હવે તે 700 રૂપિયામાં મળશે. એટલે કે 60 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે. તેવી જ રીતે, 1000 રૂપિયાની ટિકિટ હવે 1400 રૂપિયામાં મળશે. પહેલા તે 1,280 રૂપિયામાં મળતી હતી. એટલે કે 120 રૂપિયા વધુ ચૂકવવા પડશે. તે જ સમયે, 2000 રૂપિયાની ટિકિટની કુલ કિંમત હવે 2800 થશે. પહેલા GST ઉમેર્યા પછી તે 2,560 રૂપિયામાં મળતી હતી. એટલે કે 2000 રૂપિયાની ટિકિટ પર 240 રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે.
આંતરરાષ્ટ્રીય મેચોની ટિકિટ પર કેટલો GST?
ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય અને અન્ય ક્રિકેટ મેચોની ટિકિટ પર પહેલાની જેમ 18 ટકા GST લાગુ રહેશે. ફક્ત IPL અને પ્રીમિયમ લીગને 40 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ પગલું રેવન્યુ એલાઈનમેન્ટ અને બિનજરૂરી લક્ઝરી ખર્ચ પર ટેક્સ વધારવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણય પછી, સ્ટેડિયમમાં જઈને IPL મેચ જોવી મોંઘી થઈ ગઈ છે.
શું તે લોકપ્રિયતાને અસર કરશે?
એકંદરે, GST સ્લેબમાં ફેરફારને કારણે રમતગમત જગતમાં બેવડું ચિત્ર ઉભરી રહ્યું છે. એક તરફ IPL જેવી ફ્રેન્ચાઇઝી આધારિત ઇવેન્ટ્સ મોંઘી બનશે, તો બીજી તરફ માન્યતા પ્રાપ્ત રમતગમત ઇવેન્ટ્સમાં દર્શકો માટે રાહત થશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણય સરકારની આવક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ લાંબા ગાળે તેની અસર દર્શકોની ભાગીદારી અને રમતગમત ઇવેન્ટ્સની લોકપ્રિયતા પર પણ જોઈ શકાય છે.
આ પણ વાંચો :New GST Rates: આમ આદમીને મોટી રાહત! દૂધ,પનીરથી લઈને આ 35 વસ્તુઓ GSTમુક્ત, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ ટેક્સ ફ્રી
IPL 2025નો ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ જીત્યો
તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી મોટી T20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 18 સીઝન રહી છે. છેલ્લી સીઝનનો ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ જીત્યો હતો. ત્યારબાદ તેણે ફાઇનલમાં પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રનથી હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) IPLની સૌથી સફળ ટીમો છે. બંને ટીમોએ પાંચ-પાંચ IPL ટાઇટલ જીત્યા છે.