નેશનલ મેડિકલ રજિસ્ટર પોર્ટલ શરૂ : હવે એક ક્લિક પર મળશે કોઈ પણ ડૉક્ટરની વિગત
જેપી નડ્ડાએ કર્યું પોર્ટલનું ઉદ્ઘાટન : પેરામેડિક્સ અને અન્ય આરોગ્ય વ્યવસાયિકો માટે પણ કોમન રજિસ્ટર શરુ કરાશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે નેશનલ મેડીકલ રજીસ્ટર પોર્ટલનું ઉદઘાટન કર્યું છે. આ પોર્ટલ ઉપરથી હવે દેશના તમામ નોંધાયેલા તમામ એલોપેથીક ડોકટરોનો સંપૂર્ણ ડેટા મળી શકશે.
જે.પી. નડ્ડાએ જણાવ્યું કે આ અંતર્ગત પેરામેડિક્સ અને અન્ય આરોગ્ય વ્યવસાયિકો માટે એક સમાન રજિસ્ટર શરૂ કરવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે, રાષ્ટ્રીય મેડિકલ કમિશન (એનએમસી) અધિનિયમ, 2019ની કલમ 31 હેઠળ એનએમસીને આ અધિકાર આપવામાં આવ્યો છે કે તે એક રાષ્ટ્રીય રજિસ્ટર બનાવે, જેમાં દરેક લાઇસન્સ પ્રાપ્ત ડૉક્ટરનું નામ, સરનામું અને તમામ માન્યતા પ્રાપ્ત લાયકાતો સામેલ હોય.
જેપી નડ્ડાએ મેડિકલ કાઉન્સિલો (એસએમસી)ની ભૂમિકા વિશે કહ્યું કે રાજ્ય મેડિકલ કાઉન્સિલો રાષ્ટ્રીય મેડિકલ રજિસ્ટરના વિકાસ અને જાળવણીમાં મહત્વપૂર્ણ હિતધારકો છે અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. તેમણે તમામ એસએમસી (સ્ટેટ મેડિકલ કાઉન્સિલ)ને તેમની સક્રિય ભાગીદારી નિભાવવા અને નોંધણી પ્રક્રિયામાં ઝડપ લાવવાના નિર્દેશો આપ્યા. બેઠકમાં આ વાતનો પણ ઉલ્લેખ થયો કે એનએમઆરની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી છે.
એનએમઆર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશભરના ડૉક્ટરોના પ્રામાણિક આંકડા ઘણું મહત્વ ધરાવે છે. ડૉક્ટરોના આંકડાઓનો અત્યાર સુધી કોઈ યોગ્ય ડેટાબેઝ નહોતો, જેની માહિતી હવે એનએમઆર પોર્ટલ સુનિશ્ચિત કરશે. સરળ નોંધણી પ્રક્રિયાથી એ નક્કી થશે કે પ્રામાણિક આંકડાઓની જાળવણી સરળતાથી થશે. આ પ્રામાણિકતાની માહિતી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારત એક વિશાળ ડિજિટલ આરોગ્ય પરિસ્થિતિકી તંત્ર બનાવવા માંગે છે અને ડૉક્ટરોના ડિજિટલ રજિસ્ટરનું નિર્માણ આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે.
આરોગ્ય મંત્રીના આદેશ પછી કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું, ‘અત્યાર સુધી એવા વ્યાપક આંકડા નહોતા, જે દેશમાં ડૉક્ટરોની કુલ સંખ્યા, દેશ છોડનારા ડૉક્ટરો, લાઇસન્સ ગુમાવનારા ડૉક્ટરો અથવા જે ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તે વિશે વિસ્તૃત માહિતી એક જગ્યાએ હોય. એનએમઆરના શરૂ થવાથી 13 લાખથી વધુ ડૉક્ટરોના આંકડા એક જ જગ્યાએ મળી જશે. એનએમઆર આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટરનો ભાગ હશે અને તેમાં તમામ મેડિકલ વ્યવસાયિકોની વિગતો હશે.