મુંબઈ 26/11 હુમલાના આતંકી તહવ્વુર રાણાનું યુપી કનેકશન : ભારતમાં મદદગાર કોણ ? NIA દ્વારા કરાયા આકરા સવાલ
મુંબઈ પરના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ રાણાની એનઆઈએ દ્વારા રવિવારે સતત ત્રીજા દિવસે પૂછતાછ કરાઈ હતી. જો કે ઘણા સવાલોના જવાબ તે ટાળી રહ્યો છે. તેને હવે ધારદાર સવાલો કરાઈ રહ્યા છે. ભારતમા કોણે તેને મદદ કરી હતી અને તેને કોણે નાણા આપ્યા હતા. યુપી સુધી રાણાનું કનેક્શન નીકળ્યું છે અને આ મામલે પણ તેને સવાલ કરાઈ રહ્યા છે .
યુપીના હાપુડ, મેરઠ અને આગ્રામાં તે રોકાયો હતો. કોને મળ્યો હતો અને શું આયોજન હતું તે બારામાં તપાસ આગળ ધપી છે. આ ઉપરાંત મુંબઈ પરના હુમલા માટેના કાવતરામાં બીજા કેટલા લોકો ભાગીદાર હતા. મુંબઈમાં અને યુપીમાં કોણે મદદ કરી હતી તે અંગેની વિગતો ઓકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે . રવિવારે પણ તેની ૩ કલાક પૂછતાછ થઈ હતી.
દરમિયાનમાં એનઆઇએ રાણાના વોઈસ સેમ્પલ લેવાની તૈયારી પણ કરી રહી છે. હુમલા વખતે રાણા આતંકીઓના સંપર્કમાં હતો કે નહિ તે જાણવા માટે અને હેડલી સાથેના ફોન કોલની વિગતો પણ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે . વોઇસ સેમ્પલ માટે એનઆઇએને અદાલત પણ જવું પડશે.
રાણાએ પૂછ્યું, મારી ટ્રાયલ ક્યારે પૂરી થશે, કઈ ત્રણ વસ્તુઓ માંગી ?
રાણાએ પૂછતાછ દરમિયાન અધિકારીઓને એકવો સવાલ કર્યો હતો કે મારી ટ્રાયલ કયા સુધી ચાલશે અને ક્યારે પૂરી થશે? આ ઉપરાંત રાણાએ પોતાના સેલમાં ૩ વસ્તુઓ આપવાની માંગ કરી હતી. એક ધર્મગ્રંથ તેમજ એક પેન અને કાગળ આપવાની તેણે માંગણી કરી હતી.