171 વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી સો કરતા વધુ શેમ્પેઇનની બોટલો મળી
સ્વીડનના બાલ્ટિક સમુદ્રમાંથી ‘ ખજાનો’ મળ્યો
જર્મન બ્રાન્ડનીબમિનરલ વોટર નો જથ્થો પણ મળ્યો
સ્વીડનમાં બાલ્ટિક સમુદ્રના તળિયે 171 વર્ષ પહેલાં ડૂબી ગયેલા એક જહાજમાંથી 100 કરતાં વધારે શેમ્પેઇનની બોટલો, મિનરલ વોટરની બોટલો અને અન્ય કીમતી ચીજ વસ્તુઓ ઉપરાંત માટીના વાસણો મળી આવ્યા હતા. આ ખજાનો મળ્યા બાદ તેના રક્ષણ માટે સમુદ્ર કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ જહાજ રશિયાના ઝાર ( પ્રથમ )ના રાજ્યમાં જઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે. 1852 માં આ જહાજે બાલ્ટિક સમુદ્રમાં જળસમાધિ લીધી હતી. તેનો કાટમાળ શોધવાનું બીડું પોલેન્ડના બાલ્ટીકટેક ડ્રાઇવિંગ ગ્રુપના કેપ્ટન ટોમસ અને તેમની ટીમે ઝડપ્યું હતું. બે કલાક સમુદ્રના તળિયા રહ્યા બાદ આ જહાજનો કાટમાળ નજરે પડતા બાદમાં અન્ય ચાલીસ ડુબકીખોરોની ટીમને કામે લગાડવામાં આવી હતી અને જ્યારે એ જહાજનો ખજાનો જોયો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બાદમાં આ ટુકડીઓ જાહેર કર્યા મુજબ જહાજને ઝાઝું નુકસાન પણ નથી થયું. તેમાંથી 100 કરતા વધારે શેમ્પેઇનની બોટલો ઉપરાંત મિનરલ વોટર ની બોટલો યથાવત સ્થિતિમાં મળી આવી હતી.આ ખજાનો અને જહાજનો કાટમાળ મળ્યા અંગે સ્વીડિશ સરકારને જાણકારી આપી દેવામાં આવી હતી. બધો સામાન બહાર કાઢતા એક વર્ષ નીકળી જશે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર બધી બોટલો બંધ હાલતમાં છે અને હજુ વિશેષ તપાસ બાદ જ તેના ઢાંકણ ખોલવામાં આવશે.
મિનરલ વોટરનો ઉપયોગ દવા તરીકે થતો હતો.
જાણકારોના કહેવા મુજબ મિનરલ વોટર અત્યંત મોંઘુ હતું.તેનો ઉપયોગ રાજા મહારાજાઓ ભોજન સમયે કરતા હતા.તેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવતો હતો.તેની કિંમત એટલી બધી હતી કે તેનો જથ્થો પોલીસ બંદોબસ્ત હેઠળ જ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતો હતો. જહાજમાં મળેલી જર્મન બ્રાન્ડની મિનરલ વોટરની બોટલો પથ્થરની બનેલી છે અને તે બનાવનાર કંપની આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને તેની ઉપર બ્રાન્ડનું નામ ‘ સેલ્ટ્રસ ‘ લખેલું છે.શેમ્પેઇનની બ્રાન્ડ અંગે કોઈ જાણકારી મળી શકી નથી.