દેશમાં 1 લાખથી વધુ હિન્દુ સંમેલનો યોજાશે, ઘરે-ઘરે જઈને ધર્મ જાગરણ અંગે ચર્ચા થશે : સુનિલ આંબેકરની જાહેરાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતીય પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક રવિવાર ના રોજ પૂર્ણ થઈ હતી. આ બારામાં સંઘના નેતા સુનિલ આંબેકરે સોમવારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી અને કહ્યું હતું કે સંઘ દ્વારા દેશભરમાં 1 લાખથી વધુ હિન્દુ સંમેલનો યોજાશે. ઘરે ઘરે જઈને ધર્મ જાગરણ અંગે વાતચીત થશે. મરાઠી અંગેના ભાષા વિવાદ બારામાં એમણે કહ્યું હતું કે સંઘ માને છે કે દેશની બધી ભાષાઓ રાષ્ટ્રભાષા જ છે.

એમણે કહ્યું કે બેઠકમાં સંઘના શતાબ્દી વર્ષ માટેની સંગઠનાત્મક બાબતો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી, જ્યારે સંગઠને દેશ સામેના વિવિધ આંતરિક સુરક્ષા પડકારો પર પણ ચર્ચા કરી હતી. આ સાથે, ભાષા વિવાદ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આંબેકરે સોમવારે બેઠક વિશે વિગતવાર માહિતી આપી અને જણાવ્યું કે બેઠકમાં ત્રણ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પહેલો સંઘ કાર્યનો વિસ્તાર, બીજો શતાબ્દી વર્ષ ઉજવણી અને ત્રીજો દેશના વિવિધ પ્રાંતોની પરિસ્થિતિનો સમાવેશ થાય છે.

મણીપુરમાં શાંતિ માટે પ્રયાસ
બેઠકમાં મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવા માટે સંઘના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સંઘ દ્વારા મેઇતેઈ સમુદાયના લોકોમાં કરવામાં આવી રહેલા કાર્ય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આંબેકરે કહ્યું કે તેમાં થોડો વધુ સમય લાગશે પણ મણિપુરમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. બંને જાતિના લોકો સાથે વાતચીત થઈ રહી છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં : ભાજપ, કોંગ્રેસ માટે વોર્નિંગ બેલ ! પ્રજાને હાલ બે વિપક્ષ મળ્યા જેવો તાલ
સરહદી વિસ્તારોની ચર્ચા
આ સાથે, નેતાએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં સંઘ દ્વારા કરવામાં આવેલા કાર્યની ચર્ચા કરવામાં આવી. તેઓ તે વિસ્તારોમાં કેવી રીતે કાર્ય કરી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે સંઘ પ્રચારકો કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે, તેમને સંઘના વરિષ્ઠ લોકો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
નેતાએ કહ્યું કે એક વ્યાપક આઉટરીચ કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ અંતર્ગત, સમાજના તમામ પ્રકારના, વર્ગ, વ્યવસાય, વિચારોના લોકો સુધી પહોંચવું પડશે. આમાં મુખ્ય ઉદ્દેશ્ય આપણા વિચારો રજૂ કરવાનો અને તેમના વિચારો સમજવાનો છે. તેમણે કહ્યું કે આ વર્ષે વિજયાદશમી પર, વધુને વધુ સ્વયંસેવકો ગણવેશમાં આવશે, આ પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.