ચોમાસાનો વિધિવત પ્રારંભ : કેરળમાં મેઘરાજાની એન્ટ્રી, મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી, ત્રણ રાજ્યમાં રેડ એલર્ટ
દક્ષિણ પશ્ચિમી ચોમાસુ અગાઉ કરવામાં આવેલી આગાહીથી આઠ દિવસ વહેલુ કેરળમાં બેસી ગયું છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, શનિવારે સવારે કેરળના કાંઠે ચોમાસાના પગરણ થયા છે. 16 વર્ષ પછી પહેલી વાર બન્યું છે કે ચોમાસુ આટલુ વહેલુ બેસી ગયુ હોય. છેલ્લે 2009માં 23મી મેના દિવસે ચોમાસુ બેઠું હતુ. હવામાન ખાતાએ કર્ણાટક, કેરળ અને ગોવા સહિતના દક્ષિણ અને પશ્ચિમનાં રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત મુંબઈમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં કાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ પડયાના અહેવાલો છે. હવામાન ખાતાએ તા. 25થી 27 એમ ત્રણ દિવસ માટે મુંબઈમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.
હવામાન ખાતાએ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયાની જાહેરાત કરવા ઉપરાંત રાજ્યના તીરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, અલાપુઝા, થ્રીસુર, ઇડુકી અને મલાપુરમમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર છવાયેલું છે અને તેને લીધે ભારે વરસાદ પડી શકે છે. સાથોસાથ દક્ષિણ કન્નડામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉડુપી અને ઉત્તર કન્નડામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કર્ણાટકમાં બેલ્લારી, બેંગલુરૂ જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડશે.
આ જ રીતે ગોવા અને કોંકણના કાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 29 મે સુધી કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાશે. તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ આગામી પાંચ દિવસમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ મુજબ, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ, પાલઘર, સિંધુદુર્ગની સાથે સાથે પુણે અને સતારામાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદનું ઓરન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.