નાફેડના ડીરેક્ટરની એક જગ્યા ઉપર મોહન કુંડારિયા બિનહરીફ
ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે છ દાવેદારો ખસી જતા મોહનભાઈ વિજેતા
ઇફ્કોની એક બેઠકની ચૂંટણીમાં ભાજપના આંતરિક વિખવાદ બહાર આવ્યા બાદ આજે બીજી એક સહકારી સંસ્થા નાફેડ ( નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા )ની એક બેઠકની ચૂંટણીમાં આવો જ વિખવાદ થવાની સંભાવના હતી પરંતુ આવું કાંઇ થયું નથી અને એક બેઠક ઉપર રાજકોટના મોહનભાઈ કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
વર્ષ 1958માં સ્થપાયેલી અને ખેતી અને વનપેદાશો માટે વેચાણ અને જરૂરી સાધનોના અમલીકરણનું કામ કરતી દેશની એક મોટી સહકારી સંસ્થા નાફેડની આગામી 21મીએ સામાન્ય સભા અને જરૂર પડ્યે મતદાન કરવાનું નક્કી થયું હતું. આ પછી નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપમાથી જેમની ટીકીટ કપાયેલી છે તેવા મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી હતી.
આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને અહી પણ ઇફકોવાળી થશે તેવી ચર્ચા હતા પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ મૌખિક મેન્ડેટ આપીને સમજાવટથી કામ પાર પડ્યું હતું અને મોહનભાઈ સિવાયના તમામ દાવેદારોએ ફોર્મ પાછા ખેંચી લેતા મોહનભાઈ આ એક બેઠક ઉપર બિનહરીફ જાહેર થયા હતા.