મોદી જૂઠાનાં સરદાર,એક પણ વચન પાળ્યું નથી: ખડગે વરસ્યા
મોદી લોકશાહીની હત્યા કરતા હોવાનો આક્ષેપ
હરિયાણામાં તમામ 10 બેઠકો માટે 25 મી તારીખે મતદાન થવાનું છે તે પૂર્વે પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠ્ઠા ના સરદાર ગણાવતા રાજકારણ ગરમાયું છે.
યમુનાનગરમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે વડાપ્રધાન સતત ખોટું બોલતા રહ્યા છે. પ્રથમ ચૂંટણી પહેલા મોદી કહેતા હતા કે કોંગ્રેસે લુટ ચલાવી છે, અબજો રૂપિયા સ્વીસ બેંકમાં જમા કરાવ્યા છે. તેમણે એ કાળુ નાણું પરત લાવી લોકોને 15-15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. તેમણે લોકોને પૂછ્યું કે શું તમને 15 લાખ મળ્યા?
ખડગેએ કહ્યું કે મોદીએ દર વર્ષે બે કરોડ નોકરી આપવાનો વાયદો કર્યો હતો. શું કોઈને નોકરી મળી? વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું પણ શું ખેડૂતોની આવક વધી? આવા પ્રશ્નો કર્યા બાદ તેમણે કહ્યું કે એક વડાપ્રધાન આટલી હદે ખોટું કઈ રીતે બોલી શકે અને આટલું આટલું ખોટું બોલ્યા હોય ત્યારે હું તેમને જૂથના સરદાર કહું તો તેમાં શું ખોટું છે? તેમણે મોદી બંધારણ બદલાવી અને લોકશાહીની હત્યા કરવા માંગતા હોવાનો અને પોતાની 10 વર્ષની નિષ્ફળતા છુપાવવા માટે રાહુલ ગાંધી માટે એલફેલ બોલતા આવવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસને કારણે દેશ શક્તિશાળી
ખડગે કહ્યું કે પોતાને કારણે ભારત શક્તિશાળી હોવાનો મોદી દાવો કરે છે પણ દેશ તો કોંગ્રેસને કારણે શક્તિશાળી છે. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા અને રાજીવ ગાંધીએ દેશને કોમ્પ્યુટર અને પંચાયતી રાજની ભેટ આપી હતી. તેમણે ઉમેર્યું કે મોદીએ સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર તો આપ્યું હતું પરંતુ બધાનો સાથ તો લઈ લીધો પણ પછી બધાનું સત્યનાશ કાઢી નાખ્યું.