“મોદી જાણતા હતા કે હું ખુશ નથી,તેઓ મને ખુશ કરવા માંગતા હતા”: ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ,રશિયન ઓઇલ મુદે હજુ પણ ટેરિફ વધારવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એક વખત તોપનું નાળચું ભારત તરફ ફેરવ્યું છે. ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધા બાદ પણ હવે વધુ ટેરિફ વધારવાની ખુલ્લી ધમકી તેમણે આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ભારત રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે અમેરિકાને ‘મદદ’ નહીં કરે તો ભારતીય આયાત પર ટેરિફમાં વધુ વધારો કરી શકાય છે. આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંવાદ ચાલી રહ્યા છે. ટ્રમ્પની તાજી ચેતવણીથી બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધોમાં ફરી તણાવ ઊભો થવાની શક્યતા જોવાઈ રહી છે.
રશિયા પાસેથી તેલની ખરીદી મુદ્દે ભારત પર દબાણ વધારવાના ઈરાદે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી કડક ભાષા વાપરી હતી. વેનેઝુએલાના પ્રમુખ નિકોલાસ મદુરોની ધરપકડ બાદ અમેરિકાની આગામી કાર્યવાહી અંગે યોજાયેલી બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારત જો રશિયન ઓઇલ મુદ્દે મદદ નહીં કરે તો અમે તેમના પર ટેરિફ ખૂબ ઝડપથી વધારી શકીએ. છીએ.
આ પણ વાંચો :જનરલ કેટેગરી સીટ પર SC-ST-OBCનો પણ હક : સરકારી નોકરી અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આ નિવેદન દરમિયાન ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “મોદી સારા માણસ છે. તેઓ મને ખુશ કરવા માંગતા હતા. અને તેઓ જાણતા હતા કે હું ખુશ નહોતો.” ટ્રમ્પના આ શબ્દો પાછળનો સંદર્ભ ભારત દ્વારા રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખવાનો મુદ્દો હોવાનું માનવામાં આવે છે.
ટ્રમ્પે અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન ઓઇલની ખરીદી બંધ કરશે.
તેમના કહેવા મુજબ ઓક્ટોબર 2025માં તેમને મોદીએ રશિયન ઓઈલની ખરીદી બંધ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.હતું. જોકે ભારત સરકારે આ દાવાને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું હતું કે મોદિ અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ જ નથી.
ટ્રમ્પની પ્રેશર ટેકનીક નાકામ,ભારત અડગ
ભારત સતત આ બાબત પર અડગ રહ્યું છે કે તેની ઊર્જા નીતિ બજારમાં ઉપલબ્ધ વિકલ્પો અને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. નવી દિલ્હીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશના દબાણ હેઠળ આવી નીતિમાં ફેરફાર કરવામાં આવતો નથી.રશિયા હાલમાં ભારતનો સૌથી મોટો તેલ પુરવઠાકાર છે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ અગાઉ અનેક વખત આરોપ લગાવી ચૂક્યા છે કે રશિયા આ તેલ વેપારમાંથી મળતી આવકનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધ માટે કરે છે, જ્યારે ભારત ‘નફો કમાઈ’ રશિયન તેલનું પુન:વેચાણ કરીને અબજો ડોલર કમાઈ રહ્યું છે.
મિત્રતામાં ‘ઉંદર–બિલાડી’ની રમત
ટેરિફ લાગુ થયા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મોદીને હંમેશા મિત્ર માનશે અને ભારત–અમેરિકા વચ્ચે “વિશેષ સંબંધ” છે.જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પના નિવેદનને વખાણતાં કહ્યું હતું કે તેઓ અમેરિકાની સાથેના સંબંધોને મહત્વ આપે છે.જોકે રશિયન ઓઇલ મુદ્દે ફરી ફરીને થતી ટીકા અને ટેરિફની ધમકીથી બંને નેતાઓ વચ્ચેની વ્યક્તિગત મિત્રતા અને નીતિગત ટકરાવ વચ્ચેની ખેંચતાણ ફરી સ્પષ્ટ બની છે.
