રિચાર્જ વગર 1 વર્ષ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે : સીમ કાર્ડ માટે ટ્રાઇના નવા નિયમ
ટેલીકોમ કંપનીઓએ ગ્રાહક માટે માત્ર Voice + SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે
ટેલીકોમ નિયામક ટ્રાઈ દ્વારા સીમ કાર્ડ સંબંધિત નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. TRAI દ્વારા વોઇસ કોલ અને એસએમએસ માટે સ્પેશિયલ ટ્રેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે. હવે ટેલીકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર Voice + SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે. જેથી મોબાઇલ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પંસદ કરી શકશે. ટેલિકોમ નિયામકના આ નિર્ણયથી જેમને ઈન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઇલ યુઝર્સને ફાયદો થશે.
ટ્રાઇ એ સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) અને કોમ્બો વાઉચર ની મહત્તમ વેલિડિટી પણ લંબાવી દીધી છે. રિચાર્જ ન કરવા પર સીમ કાર્ડ 90 દિવસ નહીં પણ 365 દિવસ બાદ બંધ થશે.
ટેલીકોમ કંપનીઓ માટે 10 રૂપિયાનું ટોપ અપ રાખવું આવશ્યક બનાવ્યું છે. નવા નિયમ હેઠળ રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા સહિત તમામ ટેલીકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું 10 રૂપિયાનું ટોપ રિચાર્જ રાખવું પડશે. વાઉચર માટે કલર કોડિંગ પણ નાબૂદ કરી દીધી છે.
ટ્રાઈ દ્વારા 26 જુલાઇ, 2024ના રોજ ટેલીકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન 2012 વિશે કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું. તેમા હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી, વાઉચરની વેલિડિટી અને કલર કોડિંગ સહિત ઘણા મુદ્દાઓ સામેલ હતા. ત્યારબાદ 21 ઓક્ટોબરે કન્સલ્ટેશન પેપર પર ચર્ચા થઇ હતી. ટ્રાઇ દ્વારા ટેલીકોમ નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.