એક નિબંધ લખવાને કારણે MIT એ ભારતીય મૂળના વિદ્યાર્થીની કરી હકાલપટ્ટી !! જાણો શું હતું નિબંધમાં
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) એ ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં ભારતીય મૂળના પીએચડીના વિદ્યાર્થી પ્રહલાદ આયંગરને સસ્પેન્ડ કરી દીધો છે, કારણ કે તેણે વિદ્યાર્થીઓના મેગેઝિન માટે વિવાદાસ્પદ એવો પેલેસ્ટાઇન તરફી નિબંધ લખ્યો હતો.
પ્રહલાદ આયંગરને જાન્યુઆરી 2026 સુધી એમઆઈટીના કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટીનો દાવો છે કે “ઓન પેસિફિઝમ” શીર્ષકવાળો તેનો નિબંધ હિંસક વિરોધને પ્રોત્સાહન આપે છે. આ નિબંધ ‘રીટન રીવોલ્યુશન’ નામના સામયિકમાં પ્રકાશિત થયો હતો, જે પેલેસ્ટાઈન તરફી ચળવળ ચલાવતું સ્ટુડન્ટ મેગેઝીન છે. MIT એ હવે તેને કેમ્પસમાંથી પ્રતિબંધિત કરી દીધો છે. યુનિવર્સિટીએ પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈન (PFLP) માટે નિબંધના સંદર્ભ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી, જેને યુએસ સરકાર આતંકવાદી સંગઠન માને છે.
કોણ છે પ્રહલાદ આયંગર ?
આયંગર એમઆઈટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડીનો વિદ્યાર્થી છે. તે પ્રતિષ્ઠિત નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ગ્રેજ્યુએટ રિસર્ચ ફેલોશિપમાં કામ કરે છે જેની રકમ હવે તેને નહિ મળે. આ તેનું પ્રથમ સસ્પેન્શન નથી. કેમ્પસમાં પેલેસ્ટાઈન તરફી વિરોધમાં ભાગ લેવા બદલ એમઆઈટીએ તેમને અગાઉ પણ સસ્પેન્ડ કર્યો હતા.
નિબંધમાં શું હતું ?
તેના નિબંધમાં, આયંગર પ્રશ્ન કરે છે કે શું શાંતિવાદ જેવી શાંતિપૂર્ણ વ્યૂહરચના પેલેસ્ટાઈન માટે ન્યાય હાંસલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી? તેમ છતાં તેણે ખુલ્લેઆમ હિંસાને સમર્થન આપ્યું ન હતું, વહીવટીતંત્રને લાગ્યું કે નિબંધની ભાષા અને ટોન વધુ પડતો છે.
આયંગરે એક નિવેદનમાં પોતાનો બચાવ કરતા કહ્યું, “MIT મારા પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ મૂકે છે કારણ કે નિબંધમાં PFLP-સંબંધિત પોસ્ટરોની તસ્વીરો શામેલ છે.”
MIT નો પ્રતિભાવ
એમઆઈટીએ સામયિકના ઓક્ટોબર અંકના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. MITના વિદ્યાર્થી જીવનના ડીન ડેવિડ રેન્ડલે જણાવ્યું હતું કે મેગેઝિન હવે કેમ્પસમાં અથવા MITના નામે શેર કરી શકાશે નહીં.
આયંગરનો પ્રતિભાવ
આયંગરે સસ્પેન્શનની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના હુમલા તરીકે ટીકા કરી અને તેને “અસાધારણ કાર્યવાહી” ગણાવી. તેણે કહ્યું, “મને હાંકી કાઢવો અને મેગેઝિન પર પ્રતિબંધ મૂકવો એ તમામ MIT વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના અધિકારો પર ગંભીર હુમલા સમાન છે.” તેણે એમઆઈટી સમુદાયને સેન્સરશીપનો પ્રતિકાર કરવા વિનંતી કરી અને કહ્યું કે, “વહીવટ અમારું મોઢું કે કલમ બાંધી શકે નહિ.”
MITના નિર્ણયના કારણે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. રંગભેદ વિરુદ્ધ MIT ગઠબંધનના એક વિદ્યાર્થી જૂથે રેલીઓ યોજી અને આયંગરના સસ્પેન્શનનો વિરોધ કરતા નિવેદનો બહાર પાડ્યા. તેણે યુનિવર્સિટી પર અન્યાયી રીતે તેને નિશાન બનાવવાનો અને તેની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો આરોપ લગાવ્યો.
MIT ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ યુનિયને પણ વહીવટની ટીકા કરી હતી. તેના પ્રમુખ, Sophie Copiters’t Volantએ જણાવ્યું હતું કે, “MIT વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મૂકે છે કારણ કે તેઓ તેમના વિચારો સાથે સહમત નથી.” આયંગરના સમર્થનમાં 9 ડિસેમ્બરે કેમ્બ્રિજમાં ઈમરજન્સી રેલી યોજાઈ હતી.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આયંગર માટે સહાનુભુતી વ્યક્ત કરી અને તેની સજાને અન્યાયી ગણાવી. જો કે, ઘણા લોકોએ MITના નિર્ણયને ટેકો આપ્યો હતો. કેટલાક લોકોએ આયંગરના વિચારોની ટીકા કરી અને તેમના પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. એક યુઝરે પોસ્ટ કર્યું, “ગુડ વર્ક, MIT! સંસ્કારી સમાજમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી.’’
આયંગર સસ્પેન્શનને ઉથલાવી દેવાની આશામાં MITના નિર્ણયની ચાન્સેલરને અપીલ કરી રહ્યા છે. દરમિયાન, કેમ્પસમાં વાણી સ્વાતંત્ર્યનો વિરોધ અને તે મુદ્દે ચર્ચાઓ સતત વધી રહી છે.