મોદી અને બાંગ્લા દેશના વડા મહમદ યુનુસ વચ્ચે બેંગકોકમાં બેઠક યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ વચ્ચે શુક્રવારે બેંગકોકમાં યોજાયેલા બિમ્સટેક સમિટ દરમિયાન બેઠક યોજાઈ હતી.એ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર હતા.આ બંને નેતાઓ વચ્ચે ગયા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીના સરકારના પતન પછી મહમદ યુનુસે બાંગ્લાદેશનો હવાલો સંભાળ્યા બાદ આ પ્રથમ મુલાકાત હતી. ઢાકાની બેઇજિંગ સાથે વધતી નિકટતાના સંદર્ભમાં આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મહમદ યુનુસે આ બેઠકમાં ભારતમાં આશરો લઈ રહેલા શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી હતી.વડાપ્રધાન મોદીએ યુનુસ સમક્ષ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત બાંગ્લાદેશમાં લોકશાહીનું સમર્થક હોવાનું જણાવ્યું હતું.બન્ને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.મોદીએ મહમદ યુનુસને ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શેખ હસીનાના નેતૃત્વની અવામી લીગ સરકાર રાષ્ટ્રવ્યાપી આંદોલન પછી ઉથલાવી દેવાઇ અને અંતરિમ સરકારે સત્તા સંભાળ્યા બાદ દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો હતો.શેખ હસીના ભારતમાં નાસી ગયા હતા. સરકારમાં પરિવર્તન પછીના મહિનાઓમાં, ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેના જવાબમાં ઢાકાએ બાંગ્લાદેશના લઘુમતીઓ એ બાંગ્લાદેશનો મુદ્દો હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ મહમદ યુનુસે તેમની ચાર દિવસની ચીનની મુલાકાત દરમિયાન જારી કરેલા વીડિયોએ બન્ને દેશો વચ્ચે તણાવ વધાર્યો હતો. તેમાં તેમણે ભારતના પૂર્વોતરના સાત રાજ્યો ભૂમિબંધિત પ્રદેશ હોવાનું અને તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હોવાથી બાંગ્લાદેશ એ પ્રદેશ માટે સમુદ્ર નું રક્ષક હોવાનો અને એ વિસ્તાર ચીનના અર્થતંત્ર માટે મહત્વનો હોવાનું જણાવ્યું હતું. દેખીતી રીતે જ તેમના નિવેદનના તીવ્ર પડઘા પડ્યા હતા. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બાંગ્લાદેશના ટુકડા કરી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી.આવા વાતાવરણ વચ્ચે બંને દેશના નેતાઓ વચ્ચેની મુલાકાત નું મહત્વ વધી જાય છે.