દેશની પ્રગતિથી ઘણા દેશો બળતરા કરી રહ્યા છે અને ભારતને આર્થિક નુકસાન કરવાના કાવતરા થઈ રહ્યા છે. ઘણા દેશો ભારતીય મસાલાની ગુણવત્તા પર સવાલો ઉઠાવી રહ્યા છે. દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવએ જણાવ્યું હતું કે ભારતીય મસાલાની ગુણવત્તાના મુદ્દા પર તાત્કાલિક ધ્યાન અને પગલાં લેવાની જરૂર છે. જો કે વાસ્તવિકતા એ છે કે ભારતમાં તો વર્ષોથી આ મસાલાનો ઉપયોગ થઈ રહ્યો છે અને કોઈ ફરિયાદ ઉઠી નથી. જો કાગારોળ ચાલુ રખાશે તો 45 હજાર કરોડના કારોબાર પર ખતરો ઊભો થઈ શકે છે.
તેમણે કહ્યું છે કે ભારતે નાણાકીય વર્ષ 2024માં અમેરિકા, હોંગકોંગ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, માલદીવમાં લગભગ $692.5 મિલિયનના મસાલાની નિકાસ કરી છે, જેને ધ્યાનમાં રાખીને મોટી હિસ્સેદારી દાવ પર લાગેલ છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની મસાલાની નિકાસ $4.25 બિલિયન હતી, જે મસાલાની કુલ વૈશ્વિક નિકાસના 12 ટકા હતી.
2.17 અબજ ડોલરની નિકાસ પર અસરનો ખતરો
‘જો ચીન હોંગકોંગની જેમ પગલાં લે છે અને સિંગાપોર દ્વારા નિર્ધારિત માપદંડોને ઉદાહરણ તરીકે આસિયાન લાગુ કરવાનો નિર્ણય કરે છે, તો ભારતના મસાલાની નિકાસમાં ભારે ઘટાડો થઈ શકે છે. તેનાથી 2.17 અબજ ડોલરની નિકાસ પર અસર થવાની સંભાવના છે, જે ભારતની વૈશ્વિક મસાલાની નિકાસના 51.1 ટકા છે.
જો યુરોપિયન યુનિયન ગુણવત્તાના મુદ્દા પર ભારતીય મસાલાના માલસામાનને નિયમિતપણે નકારવાનું ચાલુ રાખશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
ઈયુ દ્વારા માલ નકારવાથી $2.5 બિલિયનની વધારાની અસર થઈ શકે છે, જેનાથી વૈશ્વિક મસાલાની નિકાસમાં ભારતનું કુલ સંભવિત નુકસાન વધીને 58.8 ટકા થઈ શકે છે,
ગયા મહિને, એમડીએચ અને એવરેસ્ટના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેમાં ઇથિલિન ઓક્સાઇડ નામની જંતુનાશક મંજૂર મર્યાદા કરતાં વધુ છે. 5 એપ્રિલના રોજ, હોંગકોંગના સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ મસાલાના પ્રી-પેક્ડ નમૂનાઓમાં ઇથિલિન ઓક્સાઇડની હાજરીને કારણે એમડીએચ અને એવરેસ્ટ મસાલાને નકારી કાઢ્યા હતા.
સિંગાપોર ફૂડ એજન્સીએ 18 એપ્રિલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને એવરેસ્ટ ફિશ કરી મસાલાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. મસાલામાં ઇટીઓના નિશાન મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. “ભારતે ગુણવત્તાના મુદ્દાઓને પ્રાથમિકતાના ધોરણે અને પારદર્શિતા સાથે સંબોધવાની જરૂર છે,
ભૂલ કરનાર કંપનીઓ સામે પગલાં લેવા જોઈએ. જો કે, ભારતીય સત્તાવાળાઓ તરફથી પ્રતિક્રિયા સુસ્ત રહી છે. આંતરરાષ્ટ્રીય ટીકા પછી, મસાલા બોર્ડ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ નિયમિતપણે નમૂના લેવાનું ચાલુ રાખ્યું છે અને મસાલાની ગુણવત્તા અંગે તેમના તરફથી કોઈ નક્કર નિવેદન આવ્યું નથી.