મધ્યપ્રદેશના ધાર્મિક નગરોમાં માસ મદિરા પર પ્રતિબંધ લદાશે
મુખ્યમંત્રીની જાહેરાત: કોંગ્રેસનો આવકાર
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે નર્મદા નદી નજીક આવેલા ધર્મસ્થાનોમાં માંસ મદિરા ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.કોંગ્રેસે આ વિચારને આવકારી અને પવિત્ર નગરી ઉજ્જૈનથી જ તેનો અમલ કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે મા નર્મદાની પવિત્રતા,અને શુદ્ધ સ્વરૂપ જળવાઈ રહે અને તેના આશીર્વાદ મળતા રહે એ માટે સરકારના તમામ વિભાગો કાર્યરત છે.જે ધાર્મિક નગરો માં માંસ મદિરાની દુકાનો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.તેઓ નર્મદા નદી ના વિકાસ અને શુધ્ધિકરણ અંગે મળેલી વિવિધ વિભાગોની બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે એ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની નવેમ્બર મહિનામાં સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીના આ એલાનને કોંગ્રેસે ટેકો આપ્યો હતો.મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે કોંગ્રેસ પહેલેથી જ ધાર્મિક નગરીઓમાં માંસ મદિરા પરના પ્રતિબંધનો આગ્રહ કરતી રહી છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ઉજ્જૈનના ધારાસભ્ય છે અને તેમણે આ પ્રતિબંધનો અમલ ઉજ્જૈનથી જ શરૂ કરાવવો જોઈએ.નર્મદા શુધ્ધિકરણ અંગે ની બેઠકમાં આધુનિક ટેકનોલોજીની મદદ વડે નર્મદા નદી ને શુદ્ધ રાખવા અંગે તેમ જ નર્મદા તીરે આવેલા સ્થળોના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.