Maruti Dzire Launched : 360 ડિગ્રી કેમેરા,5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે મારુતિની નવી Dezire લૉન્ચ, કિંમત-ફીચર જાણીને ચોંકી જશો
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સોમવારે તેની કોમ્પેક્ટ સેડાન ડિઝાયરની લેટેસ્ટ એડિશન (ઓલ-ન્યૂ-ડિઝાયર) રજૂ કરી છે. નવી Dezireની કિંમત રૂ. 6.79 લાખ અને રૂ. 10.14 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) વચ્ચે છે. પીટીઆઈના સમાચાર અનુસાર, કંપનીએ કહ્યું છે કે તે સ્થાનિક બજારમાં તેનો ટોચનો બજારહિસ્સો જાળવી રાખવા માટે તમામ ગ્રાહક વર્ગની જરૂરિયાતોને પૂરી કરવાનું ચાલુ રાખશે.
વેરિઅન્ટ્સ અને બુકિંગ
કંપનીએ નવી Dezireને કુલ ચાર વેરિઅન્ટ્સમાં લોન્ચ કરી છે: LXi, VXi, ZXi અને ZXi Plus. આ કાર 7 રંગોમાં ઉપલબ્ધ છે જેમાં Gallant Red, Alluring Blue, Nutmeg Brown, Blueish Black, Arctic White, Magma Grey અને Splendid Silver નો સમાવેશ થાય છે. આ કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે.
કેવી છે નવી મારુતિ ડિઝાયર
કંપનીએ આ કારમાં લુક અને ડિઝાઇનના સંદર્ભમાં ઘણા ફેરફારો કર્યા છે. અગાઉ, ખૂણા પરના ગોળ આકારને તીક્ષ્ણ ધારમાં બદલવામાં આવ્યો છે. નવી ફ્રન્ટ ગ્રિલ, લંબચોરસ અને શાર્પ LED હેડલેમ્પ્સ, નવી ડિઝાઇન કરાયેલ ફોગ લેમ્પ હાઉસિંગ, ચંકી ગ્લોસ બ્લેક ટ્રીમ આ કારને વધુ આકર્ષક બનાવી રહી છે.
પાછળના ભાગમાં, ટેલ લેમ્પમાં Y આકારની LED લાઇટિંગ કરવામાં આવી છે. ટેલગેટ પર એક ક્રોમ સ્ટ્રીપ છે જે બંને છેડાને જોડતી હોય તેવું લાગે છે. બૂટ-લિડમાં સ્પોઇલર-જેવો ઊભાર છે, જ્યારે પાછળના બમ્પરમાં કેટલાક કોન્ટૂરિંગ તત્વો સામેલ છે. ટોપ મોડલમાં ડાયમંડ કટ એલોય વ્હીલ આપવામાં આવ્યું છે. એકંદરે, શાર્પ સ્ટાઇલિંગ તત્વોને કારણે, આ કાર વર્તમાન મોડલ કરતાં વધુ સારી અને વધુ પરિપક્વ લાગે છે.
કારનું કદ
નવી Dezireની લંબાઈ 3,995 mm, પહોળાઈ 1,735 mm, ઊંચાઈ 1,525 mm અને તેનું વ્હીલબેઝ 2,450 mm છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ 163 mm છે. જોકે સાઈઝમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ અગાઉના મોડલની સરખામણીમાં ઊંચાઈમાં 10 એમએમનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને સારી હેડરૂમ મળવાની આશા છે. તેના પેટ્રોલ વેરિઅન્ટને અંદાજે 382 લિટરની બૂટ સ્પેસ મળશે.
પાવર એન્ડ પરફોર્મન્સ
આ કારમાં સ્વિફ્ટનું 1.2 લિટર, 3 સિલિન્ડર ‘Z’ શ્રેણીનું એન્જિન છે. આ એન્જિન 81.58 PSનો પાવર અને 111.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ નવું એન્જીન અગાઉના મોડલ કરતાં વધુ શુદ્ધ છે. નવી Dezire કંપની ફીટેડ CNG કિટ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી છે.
માઇલેજ
કંપનીનો દાવો છે કે તેનું મેન્યુઅલ વેરિઅન્ટ 24.79 કિમી, ઓટોમેટિક વેરિએન્ટ 25.71 કિમી અને સીએનજી વેરિએન્ટ 33.73 કિમીની માઈલેજ આપશે. કંપની આ સેડાન કારમાં 37 લીટર પેટ્રોલ અને 55 લીટર સીએનજી ટેન્ક આપી રહી છે જે 15 ઇંચના ટાયર પર ચાલે છે. આગળના વ્હીલમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સનો વિકલ્પ હશે.
કેબિનની વિશેષતાઓ
નવી Maruti Dezire ની કેબિન અગાઉના મોડલની સરખામણીમાં ઘણી પ્રીમિયમ છે. તેમાં સનરૂફ, 9-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિયર સેન્ટર આર્મરેસ્ટ, ઓટોમેટિક એસી, રિયર એસી વેન્ટ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. કેબિનની અંદરની જગ્યાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરવાજામાં બોટલ-હોલ્ડર્સ, પાછળની સીટ પર સેન્ટર આર્મરેસ્ટ સાથે કપ હોલ્ડર્સ આપવામાં આવે છે.
સલામતી મજબૂત છે
મારુતિ સુઝુકીની આ પહેલી કાર છે જેને ક્રેશ-ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. હાલમાં જ ગ્લોબલ NCAP દ્વારા આ કારનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં નવી ડીઝાયરને 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. સલામતીની દ્રષ્ટિએ, તેમાં 6 એરબેગ્સ, હિલ હોલ્ડ આસિસ્ટ, EBD સાથે ABS, બ્રેક આસિસ્ટ, 3-પોઇન્ટ સીટ બેલ્ટ સ્ટાન્ડર્ડ, રીઅર ડિફોગર અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે.
પુખ્ત વયના લોકો માટે કેટલું સલામત
ગ્લોબલ NCAPના ક્રેશ ટેસ્ટ દરમિયાન, આ કારે પુખ્ત સુરક્ષામાં કુલ 34 પોઈન્ટમાંથી 31.24 પોઈન્ટ મેળવ્યા છે. રિપોર્ટ અનુસાર, આગળના ક્રેશ ટેસ્ટમાં ડ્રાઇવર અને સહ-મુસાફરના માથાને સારી સુરક્ષા મળે છે. જો કે ટેસ્ટ રિપોર્ટ બાદ ડ્રાઈવરની છાતીમાં નજીવી સલામતી દર્શાવાઈ છે. આ સિવાય આગળના મુસાફરના ઘૂંટણ અને પગને પૂરતું રક્ષણ મળે છે. સાઇડ ઇમ્પેક્ટ અને સાઇડ પોલ ટેસ્ટમાં ડમીનું માથું, છાતી, પેટ અને પેલ્વિસ એરિયાની સુરક્ષા સારી હતી. જો કે, છાતી વિસ્તારની સલામતી નજીવી રહી છે.
બાળકો માટે સલામતી
નવી Dezire એ બાળકોની સુરક્ષામાં કુલ 49 પોઈન્ટમાંથી 39.20 પોઈન્ટ મેળવ્યા છે. આ કિસ્સામાં કારને 4-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ ક્રેશ ટેસ્ટમાં, ISOFIX એન્કરેજ સાથે કારમાં 3 વર્ષના બાળકની ડમી (મેનક્વિન) મૂકવામાં આવી હતી. જેમાં ડમીના માથા અને છાતીને પૂરતું રક્ષણ મળે છે, જ્યારે ગળામાં થોડી અસર થાય છે. બીજી તરફ 18 મહિનાના બાળકની ડમીને પણ સંપૂર્ણ સુરક્ષા મળી છે.