બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા માટે સરકાર સમક્ષ અનેક માંગણી
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારે માઝા મૂકી છે. ઓગસ્ટ 2024માં હસીના સરકારના પતન પછી સ્થિતિ વધુ ગંભીર બની છે. દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પતન થયું છે. પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે હિન્દુઓ સરઘસ કાઢે ત્યારે એમના પર દમન કરવામાં આવે છે. હિન્દુઓનું નેતૃત્વ કરી રહેલા ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના’ (ઈસ્કોન) સાથે સંકળાયેલા હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે ઢાકાના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. તેમના જામીન પણ નામંજૂર કરી દેવાયા છે. ચિન્મય કૃષ્ણ દાસ ‘બાંગ્લાદેશ સંમિલિત સનાતન જાગરણ જોટે’ના પ્રવક્તા પણ છે. આ જૂથ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને અધિકારો માટે હાકલ કરી રહ્યું છે. એમના દ્વારા બાંગ્લાદેશ સરકાર સામે 8 માંગણીઓ મુકાઇ છે.
તટસ્થ તપાસ પંચની રચના કરો
લઘુમતીઓ, ખાસ કરીને સનાતની હિન્દુઓને અત્યાચાર સામે ન્યાય મળે એ માટે તટસ્થ તપાસ પંચની રચનાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ગુનેગારોને ઝડપથી અને યોગ્ય સજા મળે એ માટે ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ટ્રિબ્યુનલની સ્થાપના કરાય તેમજ પીડિતોને પૂરતું વળતર મળે અને એમનું પુનર્વસન થાય, એવી માંગ કરવામાં આવી છે.
લઘુમતી મંત્રાલય બને
બાંગ્લાદેશમાં ધાર્મિક બાબતોનું મંત્રાલય છે જે લઘુમતી સમુદાયોની ધાર્મિક બાબતોની પણ દેખરેખ રાખે છે. જોકે, લઘુમતી સમુદાયોની વિશિષ્ટ જરૂરિયાતો અને સમસ્યાઓના નિરાકરણ માટે દેશમાં કોઈ વિશિષ્ટ મંત્રાલય નથી, તેથી એવા એક મંત્રાલયની માંગ પણ લઘુમતીઓ દ્વારા ઊઠાવવામાં આવી છે.
