એક કલાકમાં 200 જેટલાં પેસેન્જરો ભેગાં થઈ જતાં હીરાસર એરપોર્ટ પર ‘શાકમાર્કેટ’જેવો હંગામો
રાજકોટ એરપોર્ટ પર વધુ એક નવી ઉપાધિ આવી હોય એવી ગુરુવારે ટર્મિનલમાં “શાકમાર્કેટ”જેવાં દ્રશ્યો સર્જાયા હતા. એક સાથે ત્રણ ફ્લાઈટના પેસેન્જર ભેગા થઈ ગયા હતા અને બીજી બાજુ સિક્યુરિટી સ્ક્રેનિંગ એરિયામાં અવ્યવસ્થા સર્જાઈ હતી જેના લીધે પેસેન્જરો બાખડી પડ્યાં હતા. વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેકટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ પણ નથી થઈ તે પહેલા અનેક ખામીઓ બહાર આવી રહી છે. બુધવારે ચેક ઇન સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી એક અઠવાડિયાથી વીજ ટ્રેપિંગનાં કારણે સેન્ટ્રલ એસી કામ કરી રહ્યું નથી તેવી ફરિયાદો ઊભી થઈ છે.

આ દરમિયાન ગુરુવારે સાંજે 5:00 થી 6.30 સુધીમાં એરપોર્ટ પર અવ્યવસ્થા ઊભી થવાના લીધે હંગામા મચી ગયો હતો. આ પરિસ્થિતિનો સામનો કરનાર પેસેન્જરોએ ફરિયાદ માટે એરપોર્ટ ડિરેક્ટરની ઓફિસ સુધી પહોંચી ગયા હતા. જાણવા માટે વિગતો અનુસાર ટર્મિનલમાં પેસેન્જરના ચેક ઇન અને બોર્ડિંગ પાસ બાદ ખાસ કરીને સિક્યુરિટી સ્કેનિંગ યુનિટમાં એક સાથે ત્રણ ફલાઈટના મુસાફરો ભેગા થઈ ગયા હતા જેના લીધે એક્સ રે સ્કેનિંગ પર ધક્કા મુક્કી થતાં તેને કાબુમાં લેવા માટે સુરક્ષા જવાનોને પણ પસીનો છૂટી ગયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસ હવે પરેડમાં ‘ગાપચી’ નહીં મારી શકે : બાયોમેટ્રિક પ્રેઝન્સ ફરજિયાત
જો કે સુરક્ષાબળનાં જવાનોની સંખ્યા પણ ઓછી છે,વધુ જવાનો અને સ્ટાફ ફાળવવા માટે અનેક વખત જે તે ડિપાર્ટમેન્ટમાંથી માંગણીઓ પણ ઉઠી હતી. ગઈકાલે સાંજે એર ઇન્ડિયાની મુંબઈ અને ઈન્ડીગોની દિલ્હી ફલાઇટનાં 200 થી વધુ પેસેન્જરો ભેગાં થઈ ગયા હતા.નવું ટર્મિનલ પીકઅવર્સ દરમિયાન 2800 જેટલા મુસાફરોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે,ત્રણ એક્સ સ્કેનિંગ મશીનની સુવિધા પણ છે જ્યારે બોડી સ્કેનિંગ માટે 2 યુનિટ પુરુષો અને એક મહિલા માટે વિભાગ છે.