બાંગ્લાદેશમાં યુએન નું શાંતિ રક્ષક દળ ગોઠવવાની મમતા બેનરજીની માંગણી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દળને તૈનાત કરવાની હાકલ કરી અને હિંસાગ્રસ્ત પાડોશી રાષ્ટ્રમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુરક્ષિત કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિગત હસ્તક્ષેપની માંગ કરી હતી.
પશ્ચિમ બંગાળની વિધાનસભામાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે બાંગ્લાદેશમાં આપણા કુટુંબો વસે છે,
તેમની સંપત્તિઓ છે. બાંગ્લાદેશમાં ભારતીયો ઉપર હુમલા થાય તે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ મુદ્દે કેન્દ્ર સરકારના કોઈપણ પગલાને સમર્થન આપવાની તેમણે જાહેરાત કરી હતી.
મમતા બેનર્જીએ કહ્યું કે આ મુદ્દે યુનાઇટેડ નેશનમાં રજૂઆત કરી શકાય જેથી બાંગ્લાદેશમાં યુનાઇટેડ નેશન નું શાંતિ રક્ષક દળ ગોઠવવાનું શક્ય બને.
તેમણે કહ્યું કે હું બીજા કોઈ દેશની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરવા નથી માગતી પરંતુ જ્યારે જ્યારે બાંગ્લાદેશના માછીમારો અથવા તો માછીમારી બોટ ઝડપવામાં આવે છે ત્યારે આપણે તેમને સારી રીતે સાચવીએ છીએ અને બાંગ્લાદેશ પાસેથી પણ એવી જ સદભાવનાની અપેક્ષા રાખીએ છીએ.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં પ્રચંડ દેખાવો થયા હતા. કોલકાતા અને ત્રિપુરાની કેટલીક હોસ્પિટલોએ બાંગ્લાદેશના દર્દીઓને સારવાર આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
ઇસ્કોનના સાધુઓને ભારતમાં આવતા ગેરકાયદે રીતે રોકી દેવાયા
ભારતમાં યોજાયેલા એક ધાર્મિક ઉત્સવમાં હાજરી આપવા આવી રહેલા ઇસ્કોનના 63 સાધુ સહિત
એ સંસ્થાના અનેક સભ્યોને શનિવારે અને રવિવારે બાંગ્લાદેશ અને ભારતને જોડતી બેનાપોલ સરહદ પર
અટકાવી દેવામાં આવ્યા હતા. કોલકાતા ઇસ્કોનના પ્રવક્તાએ આ સાધુઓ પાસે કાયદેસરના વિઝા હોવા છતાં તેમને ભારતમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એક સાધુએ જણાવ્યા મુજબ
ભારતમાં સલામતી ન હોવાનું કારણ આપી તેમને કલાકો સુધી સરહદ પર રોકી દેવામાં આવ્યા હતા.
એક ઈમિગ્રેશન ઓફિસરે ઉચ્ચ સત્તાવાળાઓના આદેશને પગલે આ સાધુઓ અને ઇસ્કોનના અન્ય સભ્યોને ભારતમાં પ્રવેશની મંજૂરી ન આપવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો.