શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટનું અલ્ટિમેટમ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટનો અંત આવતો નથી. ધારાસભ્યોની અયોગ્યતા અંગેની અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નારવેકરને 31 ડિસેમ્બર સુધીમાં ફેસલો કરવાનો નિર્દેશ કર્યો હતો. અદાલતે કહ્યું હતું કે આ મામલો આગામી ચુંટણી સુધી લટકતો રાખવાની અમારી ગણતરી નથી. જો સ્પીકર સુનાવણી નહીં કરી શકે તો અમે કરશું. અમે વારંવાર સ્પીકરને ફેસલો કરવાની સૂચના આપેલી છે.
મુઝયમંત્રી એકનાથ શિંદે અને એમના જૂથના 33 ધારાસભ્યો વિરુધ્ધ આયોગ્યતાને લઈને અરજીઓ થઈ હતી. એ જ રીતે એનસીપીના મામલામાં 31 જાન્યુઆરી સુધી ફેસલો કરવાનો નિર્દેશ અપાયેલો છે. સુનાવણી દરમિયાન સીજેઆઈએ ટકોર કરી હતી કે અયોગ્યતા અરજીઓને નિષ્પ્રભાવી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે.
સુનાવણી દરમિયાન સ્પીકર માટે રજૂ સોલિસિટર જનરલે કહ્યું કે, વચ્ચે વિધાનસભા સત્ર, દિવાળી અને ક્રિસમસની રજાના કારણે થોડો વિલંબ થશે. તો પણ તેઓ 31 જાન્યુઆરી સુધીમાં અયોગ્યતા સાથે સબંધિત અરજીઓના નિકાલનો પ્રયત્ન કરશે. પહેલા ચીફ જસ્ટિસે કહ્યું કે, કાર્યવાહી 31 ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ જવી જોઈએ. તેને લાંબા સમય સુધી ટાળી ન શકાય.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આદેશ આપ્યો હતો કે, તેઓ 31 ડિસેમ્બર અથવા તે પહેલા એકનાથ શિંદે અને અજિત પવાર સમર્થક ધારાસભ્યોની અયોગ્યતા પર પેન્ડિંગ અરજીનો નિકાલ કરે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આદેશમાં હળવો બદલાવ કરતા સ્પષ્ટ કર્યું કે, 31 ડિસેમ્બર સુધીની તારીખ શિવસેના ધારાસભ્યોની અયોગ્યતા સાથે સબંધિત અરજીઓના નિકાલ માટે છે. સ્પીકર NCPના અજિત પવાર જૂથના ધારાસભ્યોના મામલાને 31 જાન્યુઆરી સુધીમાં નિકાલ કરી શકે છે.