મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક અઠવાડિયામાં ગાય સહિત 62 જેટલા ગૌવંશના હત્યા કરાયેલા મૃતદેહો મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કોમી અને ધાર્મિક તનાવ ફેલાવવાના હેતુથી આ અધમ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ બારામાં 24 લોકોની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સિવની ના પીંડરાઈ ગામની વનગંગા નદીમાંથી 18 કપાયેલી ગાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ પાલતુ ગાયોની ચોરી કરી કતલ કરવામાં આવી હોવાનું ખુલ્યા બાદ પોલીસે હાથ ધરેલી વિશેષ તપાસ દરમિયાન એ જ જિલ્લાના કાકરતાલા જંગલમાંથી પણ ગાય અને બળદના 28 મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ કુલ 19 ગાય અને 43 બળદની ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવી હતી.
આટલી મોટી સંખ્યામાંગૌવંશની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. પોલીસે બાદમાં નાગપુરના મોમીનપુરા વિસ્તારમાં રહેતા ઈસરાર અહેમદ અને તેના અન્ય સાત સાગરીતોની ધરપકડ કરી હતી જેમની પૂછપરછ દરમિયાન આ હત્યા પાછળ કોમી તનાવ ફેલાવવાનું ખૌફનાક ષડયંત્ર હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા આરોપીઓ પૈકીના વાહીદ ખાન (ઉ.વર્ષ 28) સામે નેશનલ સિક્યુરિટી એક્ટ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે અત્યાર સુધીમાં કુલ 24 શખ્સોને દબોચે લીધા હતા.આ ઘટના બાદ ફરજમાં બેદરકારી બતાવવા બદલ સિવનીના જિલ્લા અધિકારી ક્ષિતિજ સિંગલ અને એસપી રાકેશકુમાર સિંહાની બદલી કરી દેવામાં આવી હતી.
નાગપુરના શખ્સે પૈસાની લાલચ આપી કતલો કરાવી
પોલીસે વાહીદ ખાન સહિત છ શખ્સોની ધરપકડ કર્યા બાદ આ ભયંકર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા આરોપીઓના જણાવ્યા અનુસાર નાગપુરના ઈસરાર અહેમદ નામના શખ્સે પૈસાની લાલચ આપીને આ કૃત્ય કરાવ્યું હતું. ઈસરાર અને તેના સાગરીતો 17 જૂનના રોજ સિવની પહોંચ્યા હતા અને સના ઉર રહેમાન, અબ્દુલ કરીમ અને રફીક ખાન નામના શખ્સોને પૈસાની લાલચ આપી આ કામમાં સાથે લીધા હતા. ઇસરારે વાહીદ ખાનને એડવાન્સ પેટે 30000 રૂપિયા ચૂકવવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.