અમેઠીની બેઠક પર ફરી ખિલશે કમળ કે પંજો બાજી મારશે ?? જાણો સમીકરણ અને ચૂંટણી ભૂતકાળ
અમેઠી લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસે ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી સોનિયા ગાંધીના સંસદીય મત વિસ્તારના પ્રતિનિધિ એવા કિશોરી લાલ શર્માને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી કોંગ્રેસ અને તેના ચૂંટણી પ્રબંધન સાથે જોડાયેલા કિશોરી લાલ શર્માને ગાંધી પરિવારનો ખોવાયેલો ગઢ પાછો મેળવવાના પડકારનો સામનો કરવો પડશે.
પ્રિયંકા ગાંધીએ કિશોરી લાલને અમેઠીથી ઉમેદવાર બનાવવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમારા પરિવારનો તેમની સાથે વર્ષોથી સંબંધ છે. તેઓ હંમેશા અમેઠી અને રાયબરેલીના લોકોની સેવામાં પૂરા દિલથી રોકાયેલા હતા. જનસેવા પ્રત્યેનો તેમનો જુસ્સો પોતાનામાં એક ઉદાહરણ છે. તેમણે એમ પણ કહ્યું કે કેએલ શર્મા 1999થી અમેઠીના દરેક ખૂણાને જાણે છે. તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ તેમને આ ચૂંટણીમાં ચોક્કસપણે સફળતા અપાવશે.
કિશોરી લાલ શર્માને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડશે જે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)એ આ સીટ માટે નન્હે સિંહ ચૌહાણને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. હાલ આ બેઠક પરથી સ્મૃતિ ઈરાની સાંસદ છે. સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
વર્ષ 1976માં ગાંધી પરિવાર અમેઠીમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે સંજય ગાંધીએ અહીં પહોંચીને પોતાનું શ્રમદાન કરીને રાજકીય મેદાન તૈયાર કર્યું હતું. જોકે, 1977માં પહેલી ચૂંટણીમાં કોંગ્રેસના સંજય ગાંધી ચૂંટણી હારી ગયા હતા. તેમણે 1980માં ચૂંટણી જીતી હતી પરંતુ તે જ વર્ષે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. આ પછી રાજીવ ગાંધીએ પેટાચૂંટણીમાં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી. આ પછી રાજીવ ગાંધી 1984, 1989 અને 1991માં સતત જીત્યા. એ અલગ વાત છે કે વર્ષ 1984માં રાજીવ ગાંધીની તેમના નાના ભાઈની પત્ની મેનકા ગાંધી સાથે રાજકીય હરીફાઈ હતી.
વર્ષ 1999માં સોનિયા ગાંધીએ તેમની પહેલી ચૂંટણી અમેઠીથી લડી હતી. બાદમાં સોનિયા ગાંધીએ વર્ષ 2004માં પોતાના પુત્ર માટે આ સીટ છોડી દીધી હતી. રાહુલ ગાંધીએ 2004, 2009, 2014માં ચૂંટણી જીતી હતી પરંતુ, તેઓ 2019માં ભાજપની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. 1998માં ગાંધી પરિવારના નજીકના કેપ્ટન સતીશ શર્મા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારથી આ સીટ સતત ગાંધી પરિવાર માટે આરક્ષિત છે.
શું હતા 2019ની લોકસભા ચૂંટણીના પરિણામ ?
2019ની લોકસભા ચૂંટણીમાં ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધી ચોથી વખત અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા, જે 2014ની ચૂંટણીમાં બીજા ક્રમે રહી હતી અને રાહુલ સામે તેના ઉમેદવાર તરીકે હતા. ત્યારે સ્મૃતિ ઈરાનીને 4 લાખ 68 હજાર 514 વોટ મળ્યા હતા. રાહુલ ગાંધી માત્ર 4 લાખ 13 હજાર 394 વોટ મેળવી શક્યા. અમેઠીના કોંગ્રેસના ગઢમાં સ્મૃતિ ઈરાનીએ કમળ ખીલ્યું હતું.
ત્યારે હવે એ જોવાનું રહ્યું કે શું કોંગ્રેસના કિશોરી લાલ શર્મા અમેઠીમાં 1999ના ઈતિહાસનું પુનરાવર્તન કરશે કે પછી સ્મૃતિનો ફરી અમેઠી બેઠક પર ભાજપનો ભગવો લહેરાવશે.