લીવ ઇન રિલેશનશિપ અને સમલૈંગિક લગ્નો સામાજિક માળખાનો નાશ કરશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચેતવણી આપી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લીવ ઇન રિલેશનશિપ અને સમલૈંગિક લગ્ન સમાજ માટે ખતરારૂપ હોવાની ચેતવણી આપી હતી. એ કૃત્યો ‘સામાજિક કાનૂન’ સાથે સુસંગત ન હોવાનો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો હતો.
એક youtube પોડકાસ્ટમાં વાતચીત કરતાં તેમણે કહ્યું કે દરેક દેશ અને સમાજના ચોક્કસ સામાજિક નિયમો, પરંપરાઓ અને માપદંડો અને સંસ્કૃતિ હોય છે. તેનું પાલન કરવું જોઈએ. લીવ ઇન રિલેશનશિપ અને સમલૈંગિક લગ્નો સામાજિક માળખાનો નાશ કરશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.
ગડકરીએ તેમના લંડનનાપ્રવાસને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે,”બ્રિટિશ સંસદની મુલાકાત સમયે મેં બ્રિટનના વડાપ્રધાન અને વિદેશ મંત્રી પાસેથી તેમના દેશની મહત્વની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે બ્રિટનમાં લોકો લગ્ન કરવામાં રસ નથી ધરાવતા, માત્ર લીવ ઈન રિલેશનશિપમાંજ રહે છે અને એ સૌથી મોટી સમસ્યા છે”.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો તમે લગ્ન ન કરો તો બાળકો કેવી રીતે થશે? બાળકો થાય તો તેમનું ભવિષ્ય શું? તમે સામાજિક માળખું તોડી પાડો તો તેની સમાજ ઉપર કેટલી ખરાબ અસર પડશે ? કેવો સવાલ તેમણે કર્યો હતો.
તેમણે દેશમાં સંતુલિત લિંગ ગુણોત્તર જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો તે એવા તબક્કે પહોંચે કે જ્યાં 1,500 મહિલાઓ અને માત્ર 1,000 પુરૂષો હોય, તો આપણે પુરુષોને બે પત્નીઓ રાખવાની મંજૂરી આપવી પડશે.