થર્ટી ફર્સ્ટ ‘રંગીન’ બનાવવા મંગાવાયેલો ૧૨ લાખનો દારૂ પકડાયો
માણેકવાડા ગામ પાસે સીમમાં દરોડો પાડી ત્રણને પકડી લેવાયા, કટિંગ કરનાર સહિત સાત ફરાર
થર્ટી ફર્સ્ટ મતલબ કે ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી હોય આ દિવસે છાંટોપાણી મતલબ કે દારૂ ઢીંચીને રખડવાનો ટે્રન્ડ વર્ષોથી ચાલ્યો હોય આ દિવસોમાં દારૂ વેચતાં બૂટલેગરોને તડાકો બોલી જતો હોય છે જેને ધ્યાનમાં રાખી મોટાપાયે દારૂ મંગાવાતો હોય છે. આવો જ એક દારૂ માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાં ઉતરી રહ્યો હોવાની બાતમી મળતાં જ રૂરલ એલસીબી દ્વારા દરોડો પાડીને ૧૨.૪૭ લાખની દારૂની ૧૫૧૨ બોટલ સાથે ત્રણને પકડી લેવામાં આવ્યા હતા.
રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલ સહિતની ટીમ દ્વારા નવીખોખરી ગામની સીમમાં ફોરેસ્ટની વીડીની બાજુમાં એક પડતર ખેતરમાં ચાલી રહેલા દારૂના કટિંગ પર ત્રાટકીને વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા (રહે.માણેકવાડા), હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલ (રહે.માણેકવાડા, મુળ ભાવનગર) અને સત્યેન્દ્રસિંહ ગમેરસિંહ સેક્તાવત (રહે.અંગોરા, રાજસ્થાન)ને પકડી લેવાયા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં દારૂનો આ જથ્થો હાલ ગોંડલ રહેતા અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા દ્વારા મંગાવાયો હતો. જ્યારે દારૂનો જત્થો જયપાલસિંહ દિગુભા જાડેજા પણ તેમાં સામેલ હતો. જ્યારે દારૂનો આ જથ્થો અમદાવાદ અને મુળ રાજસ્થાનના કરણસિંહ રાઠોડે મોકલ્યો હતો. દારૂની હેરફેર કરનાર મજૂર તરીકે નવઘણ વેરશી ભરવાડ, સુખા નાગજી ભરવાડ, કેસરીસિંહ દેવીસિંહ રાઠોડ સહિતના નામ આપતાં પોલીસે તમામ સામે ગુનો નોંધી દારૂ સહિત ૩૧.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.