મુંબઈમાં નેતાની બેકાબુ કારે દંપતીને લીધું હડફેટે : મહિલાનું મોત
વરલી વિસ્તારની ઘટના : કાર ચાલકે મહિલાને બોનેટ ઉપર ૧૦૦ મીટર સુધી ખેંચી
મુંબઈના વરલી વિસ્તારમાં એક રૂવાંડા ઉભી કરે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રવિવારે, વરલીમાં એક સ્પીડમાં આવતી BMW કારે એક દંપતીની બાઇકને ટક્કર મારી, આટલું જ નહીં કાર ચાલકે મહિલાને કારના બોનેટ પર 100 મીટર સુધી ખેંચી હતી. આ ઘટનામાં તેનું મૃત્યુ થયું અને તેના પતિને ગંભીર ઈજા થઈ છે. જે કારમાં અકસ્માત થયો તે પાલઘરમાં જાણીતા નેતાના પુત્ર ચલાવી રહ્યાહોવાનું જાણવા મળ્યું છે. આ સમયે કારમાં તેમનો ડ્રાઈવર પણ હાજર હતો. હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના એવા સમયે આવી છે જ્યારે, પુણેમાં પોર્શ સાથે સંકળાયેલા હિટ-એન્ડ-રન કેસને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે, જ્યાં એક 17 વર્ષીય સગીરે મોટરસાઈકલને ટક્કર મારી હતી અને બે લોકો માર્યા ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહન પાલઘર સ્થિત રાજકીય પક્ષના નેતાનું હતું અને તેનો પુત્ર ડ્રાઈવર સાથે કારમાં બેઠો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત સવારે 5.30 વાગે અટ્રીયા મોલ પાસે થયો હતો.
મહિલાની ઓળખ વરલી કોલીવાડાની રહેવાસી કાવેરી નાખ્વા (45) તરીકે થઈ છે, જે તેના પતિ સાથે માછલી વેચીને સાસૂન ડોક જઈ રહી હતી. કારે કપલના સ્કૂટરને ટક્કર મારી હતી, જેના પગલે તેઓએ સંતુલન ગુમાવ્યું હતું અને મહિલા કારના બોનેટ પર પડી હતી. પતિ તરત જ કૂદી પડ્યો, પણ કાવેરી કૂદી ન શકી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ગભરાટમાં, કાર આગળ વધતી રહી અને કાવેરીને બોનેટ પર લગભગ 100 મીટર સુધી ખેંચી, પછી તેને રસ્તા પર ફેંકી દીધી. સ્થાનિક લોકો તેને નાયર હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે કહ્યું કે, હાલમાં મહિલાના પતિની સારવાર ચાલી રહી છે. વરલી પોલીસે BMWમાં બેઠેલા બે લોકો સામે કેસ નોંધ્યો છે. જોકે, કારને પોલીસ સ્ટેશને લાવવામાં આવવી ત્યારે કારની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. પોલીસે તેમાંથી એકની અટકાયત કરી છે અને કાર કબજે કરી છે. ઝોનલ ડીસીપીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેસ નોંધી ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.